પાકિસ્તાનમાં હાહાકાર : પેટ્રોલ-ડીઝલના ભાવ પ્રતિ લિટર 300 રૂપિયાને પાર
image : Twitter
પાકિસ્તાનમાં વચગાળાની સરકાર લોકોને મોંઘવારીને એક પછી એક ડામ આપી રહી છે. પહેલા વીજળીના દરોમાં થયેલા છપ્પરફાડ વધારા બાદ હવે પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધારી દેવાયા છે. જેના કારણે દેશમાં પહેલી વખત પેટ્રોલ અને ડિઝલની કિંમત 300 રૂપિયાને પાર કરી ગઈ છે. સરકારે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 14.91 રૂપિયા અને ડીઝલનો ભાવ 18.44 રૂપિયા વધાર્યો છે. જેના કારણે હવે પાકિસ્તાનમં પેટ્રોલ પ્રતિ લિટર 303.56 રૂપિયે અને ડિઝલ પ્રતિ લિટર 311.84 રૂપિયે વેચાઈ રહ્યુ છે.
મોડી રાત્રે નાણામંત્રાલયે સોશિયલ મીડિયા પર ભાવ વધારા અંગે જાણકારી આપીને લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. પાકિસ્તાનમાં છેલ્લે 15 ઓગસ્ટે જ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ધરખમ વધારો કર્યો હતો અને તે સમયે પેટ્રોલ અને ડિઝલના ભાવ પ્રતિ લિટર 20 રૂપિયા સુધી વધ્યા હતા. હવે લોકોને ભાવ વધારોનો બીજો ડોઝ મળ્યો છે.
બીજી તરફ પાકિસ્તાની રૂપિયો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સતત ગગડી રહ્યો છે. ગુરૂવારે ફરી તેમાં 1.09 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે એક ડોલર સામે રૂપિયાની કિંમત 305.54 પર પહોંચી હતી. એકલા ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાની રૂપિયામાં 6.2 ટકાનુ ધોવાણ થયેલુ છે.
પાકિસ્તાનને આઈએમએફ દ્વારા આકરી શરતો સાથે 3 અબજ ડોલરનુ બેલઆઉટ પેકેજ આપ્યુ હતુ. જેના પગલે પાકિસ્તાન હવે એક પછી એક એવા પગલા ભરી રહ્યુ છે કે, દેશમાં મોંઘવારી કોઈએ વિચાર્યા નહીં હોય તેવા રેકોર્ડ સર્જશે.