પાકિસ્તાનમાં મહિલાને ધાર્મિક પુસ્તક સળગાવવાના આરોપમાં આજીવન કારાવાસની સજા
ઈસ્લામાબાદ,તા.23.માર્ચ.2024
ધાર્મિક પુસ્તક સળગાવી દેવાની ઘટનામાં પાકિસ્તાનની એક કોર્ટે મહિલાને આજીવન કારાવાસની સજા ફટકારી છે.
મળતી વિગતો પ્રમાણે પંજાબ પ્રાંતના લાહોર શહેરમાં બેદિયાન રોડ પર રહેતી 40 વર્ષની આસિયા બીબીની પોલીસે 2021માં તેના જ વિસ્તારના એક વ્યક્તિની ફરિયાદના આધારે ધરપકડ કરી હતી.મહિલા પર તેના ઘરની બહાર ધાર્મિક પુસ્તક સળગાવવાનો આરોપ લાગ્યો હતો.
આ મામલાની સુનાવણી બાદ લાહોરની સ્થાનિક કોર્ટે મહિલાને આજીવન કારાવાસની સજા કરી છે.જોકે કોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલાના વકીલે દલીલ કરી હતી કે, આ મામલો ધાર્મિક લાગણી દુભાવવાનો છે જ નહીં. પાડોશીએ આ મહિલા સાથેની અંગત અદાવતમાં મહિલાને ખોટી રીતે ફસાવી હતી.ઉપરાંત સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા સાક્ષીઓના નિવેદનમાં પણ વિરોધાભાસ જોવા મળી રહ્યા છે.આ મામલામાં મુખ્ય ફરિયાદીની જગ્યાએ એક પોલીસ અધિકારીને સાક્ષી તરીકે ઉભો કરી દેવાયો હતો.જે આ કહેવાતી ઘટના બની ત્યારે સ્થળ પર જ નહોતો.
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે, ફરિયાદ પક્ષે આ કેસમાં મહિલાએ જ ધાર્મિક પુસ્તક સળગાવ્યુ હોવાનુ પૂરવાર કર્યુ છે.માટે મહિલાને આજીવન કેદની સજા કરવામાં આવે છે.
આસિયા બીબીના વકીલે હવે આ ચુકાદાને લાહોર હાઈકોર્ટમાં પડકારવાની અને હાઈકોર્ટ મહિલાને રાહત આપશે તેવી આશા વ્યક્ત કરી છે.