ના હોય! પ્રેમિકાનું ફેવરિટ બર્ગર બન્યુ મોતનું કારણ, પ્રેમમાં પાગલ પ્રેમીએ કરી મિત્રની હત્યા
Image:FreePik
Pakistan Burger Murder: સોશિયલ મીડિયાના જમાનામાં અવાર-નવાર પ્રેમ પ્રકરણમાં હત્યાના બનાવો સામે આવતા હોય છે ત્યારે પાકિસ્તાનના કરાચીમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જ્યાં પ્રેમિકાએ મંગાવેલા બર્ગરને પ્રેમીના મિત્રએ ખાઇ જતા ઉશ્કેરાયેલા પ્રેમીએ બંદુકની ગોળીથી તેના મિત્રની હત્યા કરી દીધી.
આ ઘટના કરાચીના ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી વિસ્તારમાં બની હતી, જ્યાં 8 ફેબ્રુઆરીએ એક નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ તેના મિત્ર સેશન્સ જજના પુત્રની હત્યા કરી હતી. આ ઘટના બાદ આ મામલે ન્યાયિક તપાસ પૂર્ણ થઈ ગઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર, નિવૃત્ત પોલીસ અધિક્ષક (SSP) નઝીર અહેમદ મીર બહારનું ઘર ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી વિસ્તારમાં છે. અહીં જ તેના પુત્ર દાનીયાલ મીર બહારે તેના મિત્ર અલીને બોલાવ્યો હતો. અલી કરાચી જિલ્લા સાઉથ સેશન્સ જજ જાવેદ કેરિયોનો પુત્ર છે. મિત્રના આવ્યા બાદ દનિયાલે તેની પ્રેમિકા શાઝિયાને પણ ઘરે બોલાવી હતી.
દાનિયલે તેની ગર્લફ્રેન્ડ અને પોતાના માટે બે જીંજર બર્ગરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ દાનિયલના મિત્રએ પૂછ્યા વગર અડધું બર્ગર ખાધું, જેના પછી દાનિયલને ગુસ્સો આવી ગયો. ગુસ્સે ભરાયેલા પોલીસ અધિકારીના પુત્રએ તેની સુરક્ષા ગાર્ડની એસોલ્ટ રાઈફલ લઈ લીધી અને 17 વર્ષના અલી પર ગોળીબાર કર્યો. ઘટના બાદ અલીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું.
બર્ગર મર્ડર કેસની તપાસ કરી રહેલા અધિકારીએ શું કહ્યું?
આ કેસની તપાસ કરી રહેલા અધિકારીએ જણાવ્યું કે, અલીએ દાનિયાલની ગર્લફ્રેન્ડનું અડધું બર્ગર ખાધું હતું, ત્યાર બાદ બંને મિત્રો વચ્ચે વિવાદ થયો હતો. જેના કારણે દાનિયલે તેના 17 વર્ષના મિત્ર પર ગોળીબાર કર્યો હતો. આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને તે જેલમાં છે. આવી ઘટના અંગે લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.