VIDEO: પાકિસ્તાનમાં હિંસા, કૉલેજમાં દુષ્કર્મની ઘટના મુદ્દે વિદ્યાર્થીઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ, સ્કૂલો-કૉલેજો બંધ, 600ની ધરપકડ
Pakistan Violence : પાકિસ્તાનના લાહોરની એક કૉલેજમાં દુષ્કર્મની ઘટના મામલે ભારે ધમાલ મચી છે. આ ઘટના મુદ્દે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને રસ્તાઓ ઉપર ઉતરી આવી ભારે હોબાળો મચાવી રહ્યા છે. બીજીતરફ સુરક્ષાને ધ્યાને રાખી પાકિસ્તાનના પંજાબની તમામ સ્કૂલો અને યુનિવર્સિટીઓ બે દિવસ માટે બંધ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. કૉલેજમાં થયેલી દુષ્કર્મની ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક સ્કૂલો અને કૉલેજોમાં તણાવ જોવા મળી રહ્યો છે. ઘટના સામે આવ્યા બાદ ચાર શહેરોમાં વિદ્યાર્થીઓએ રસ્તા ઉપર ઉતરી આવી ઉગ્ર દેખાવો શરૂ કરી દીધા છે. વિદ્યાર્થીઓના એક ટોળાએ રાવલપિંડીની એક કૉલેજ ભવનને ભારે નુકસાન કર્યું છે.
પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ, 600ની ધરપકડ
દેખાવો ઉગ્ર બન્યા બાદ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અનેક સ્થળે ઘર્ષણ થયું છે, જેમાં 600થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પ્રાંતના ગુજરાતમાં બુધવારે દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં એક સુરક્ષા કર્મચારીનું મોત થયું છે. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. દેખાવ કરી રહેલા વિદ્યાર્થીઓએ અનેક રસ્તાઓ બ્લોક કરવાની સાથે અનેક વાહનોને આગ ચાંપી દીધી છે.
દુષ્કર્મની ઘટના બની હોવાનો સરકાર-પોલીસનો ઈન્કાર
બીજીતરફ સરકાર અને પોલીસે લાહોરની ખાનગી પંજાબ ગ્રૂપ ઓફ કૉલેજના પરિસરમાં દુષ્કર્મની ઘટના થઈ હોવાનો ઈન્કાર કરી દીધો છે. પંજાબ પોલીસે આજે (18 સપ્ટેમ્બર) કહ્યું કે, હિંસક વિરોધ પ્રદર્શન મામલે પ્રાંતમાંથી 600થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. બીજીતરફ પંજાબ પોલીસના એક પ્રવક્તાએ દાવો કર્યો છે કે, ધરપકડ કરાયેલા અનેક વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી બાંહેધરી પત્ર લીધા બાદ છોડી મુકવામાં આવ્યા છે.
હિંસામાં 50 વિદ્યાર્થીને ઈજા, ત્રણ હાલત ગંભીર
દરમિયાન લાહોરમાં આવેલી પંજાબ કૉલેજ ફોર વિમેનમાં એક સુરક્ષા ગાર્ડે વિદ્યાર્થીની પર કથિત દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ હતી, ત્યારબાદ સોમવારથી પંજાબના અનેક શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 50 વિદ્યાર્થીઓને ઈજા થઈ છે, જેમાં ત્રણ હાલત ગંભીર હોવાના અહેવાલો સામે આવ્યા છે.
દુષ્કર્મના કોઈપણ પુરાવા મળ્યા નથી : પંજાબના મુખ્યમંત્રી
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાજે ઘટના અંગે કહ્યું કે, દુષ્કર્મના કોઈપણ પુરાવા મળ્યા નથી અને આ મુદ્દે અફવા ફેલાવાઈ રહ્યા છે. FIAએ નેશનલ એસેમ્બલીના કર્મચારી રાજા અહસાન નાવેદ, વકીલ ફૈઝલ જટ અને ટિકટોકર અને વ્લોગર ઉમર દરાજ ગોંડલની વિદ્યાર્થીઓને સશસ્ત્ર અને હિંસક આંદોલન કરવા માટે કથિત રીતે ઉશ્કેરવા બદલ ધરપકડ કરી છે.