ભારતનો અસલી ચહેરો દુનિયા સામે આવી ગયો છે, પાકિસ્તાનના આર્મી ચીફે ફરી ઝેર ઓકયુ
image : Socialmedia
નવી દિલ્હી,તા.01 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
પાકિસ્તાનના કોઈને કોઈ અધિકારી કે નેતા ભારત સામે ઝેર ના ઓકે તેવુ ભાગ્યે જ બનતુ હોય છે.
હવે પાકિસ્તાનની સેના પ્રમુખ જનરલ અસમી મુનીરનો વારો આવ્યો છે. તેમણે ભારતને બદનામ કરવાની કોશિશ કરતા કહ્યુ છે કે, ભારત દ્વારા આંતરરાષ્ટ્રીય કાયદાનુ ઉલ્લંઘન થઈ રહ્યુ છે. ભારતનો અસલી ચહેરો સામે આવી ગયો છે.
પાકિસ્તાનની સેનાના કોર કમાન્ડર્સની બેઠકમાં મુનીરે કહ્યુ હતુ કે, પાકિસ્તાનની ચૂંટણીમાં કોઈને પણ હિંસા કરવાની કે લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાની છૂટ નહીં મળે.
ભારત દ્વારા પાકિસ્તાની નાગરિકોની હત્યા કરાઈ રહી હોવાનો આક્ષેપ લગાવીને મુનીરે કહ્યુ હતુ કે, ભારતનો અસલી ચહેરો દુનિયાની સામે આવી ગયો છે. દુનિયાના બીજા દેશો પણ પોતાના નાગરિકોની હત્યાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
આ સિવાય મુનીરે ઈઝરાયેલ અને હમાસ જંગનો ઉલ્લેખ કરીને ગાઝાના લોકોને સમર્થનની જાહેરાત કરી હતી. તેમણે ગાઝાની તુલના કાશ્મીર સાથે કરી હતી અને કહ્યુ હતુ કે, ગાઝામાં યુધ્ધ વિરામ લાગુ કરવાની અમારી માંગણી કાયમ છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વિદેશ સચિવે ગત સપ્તાહે કહ્યુ હતુ કે, પાકિસ્તાનના બે નાગરિકોની હત્યામાં ભારતની જાસૂસી સંસ્થા રોના બે એજન્ટો સામેલ હોવાના પૂરાવા પાકિસ્તાન પાસે છે. આ એજન્ટો દ્વારા પાકિસ્તાની નાગરિકોને મારવા માટે સોપારી આપવામાં આવી હતી.