Get The App

પાકિસ્તાને મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું: ચીન-US સહિતના દેશોએ આપી શ્રદ્ધાંજલિ

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાને મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું: ચીન-US સહિતના દેશોએ આપી શ્રદ્ધાંજલિ 1 - image


Manmohan Singh Death: ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધન પર પાકિસ્તાન, રશિયા, ચીન, ફ્રાન્સ, અફઘાનિસ્તાન અને અમેરિકા સહિત અનેક દેશોના રાજદૂતો અને નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. વિશ્વના નેતાઓએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શુક્રવારે શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમને એક 'શ્રેષ્ઠ નેતા' ગણાવ્યા.

પાકિસ્તાને મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું

પાકિસ્તાનમાં જન્મેલા મનમોહન સિંહના જવાથી પાકિસ્તાને પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમનું કહેવું છે કે, 'પાકિસ્તાન હંમેશા ઝેલમના દીકરાને યાદ રાખશે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી અને પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીએ કહ્યું કે, ડૉક્ટર મનમોહન સિંહના જવાથી ખુબ દુઃખી છીએ. ભારત આજે જે આર્થિક સ્થિરતાનો આનંદ લઈ રહ્યું છે, તે ડૉક્ટર મનમોહન સિંહની દુરદર્શી નીતિઓનું પરિણામ છે. મનમોહન સિંહનો પાકિસ્તાનના ઝેલમ વિસ્તારમાં ગાહ ગામમાં જન્મ થયો હતો જે હવે પાકિસ્તાનના પંજાબના ચકવાલ વિસ્તારમાં પડે છે. ડૉક્ટર સિંહ ઝેલમના દીકરા હતા અને હંમેશા અહીંના લોકો પ્રત્યે પ્રેરણા સ્ત્રોત રહેશે.'

રશિયન રાજદૂતે શું કહ્યું?

રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે 'X' પર એક પોસ્ટમાં કહ્યું કે, 'આ ભારત અને રશિયા માટે ખુબ દુઃખની ક્ષણ છે. આપણા દ્વિપક્ષીય સંબંધોમાં ડૉ. મનમોહન સિંહનું યોગદાન અતુલનીય હતું. તેમનો સૌમ્ય વ્યવહાર હંમેશા આકર્ષક હતો કારણ કે એક અર્થશાસ્ત્રી તરીકે તેમની વિશેષજ્ઞતા અને ભારતની પ્રગતિ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા પર કોઈ સવાલ નહોતું ઉઠાવી શકતું. અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ ડૉ. મનમોહન સિંહજીના પરિવાર અને ભારતીયો સાથે છે.'

અમેરિકાએ પણ દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીએ ડૉ. મનમોહન સિંહને એક એવા નેતા તરીકે યાદ કર્યા, જેમણે અમેરિકા-ભારત સંબંધોમાં એક ઐતિહાસિક અધ્યાયની શરૂઆત કરી. અમે અમારા પ્રિય મિત્ર અને પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિસ્વાર્થ યોગદાનને યાદ કરીએ છીએ, જેમણે અમેરિકા-ભારત સંબંધોમાં એક ઐતિહાસિક અધ્યાયની શરૂઆત કરી. ભારતના વિકાસ અને સમૃદ્ધ પ્રત્યે તેમનું સમર્પણ અમને પ્રેરિત કરતું રહે છે. તેમના નેતૃત્વ અને દુરદર્શિતા માટે આભારી છું.'

ચીને પણ આપી શ્રદ્ધાંજલિ

ચીની રાજદૂત જૂ ફેઇહોંગે 'X' પર એક પોસ્ટમાં સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, 'પૂર્વ ભારતીય વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર ઘણું દુઃખ થયું, તેઓ એક શ્રેષ્ઠ નેતા હતા, જેનું ભારતીયો ખુબ સન્માન કરતા હતા. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી સંવેદના.'

ફ્રાન્સે શું કહ્યું?

ફ્રાન્સ દૂતાવાસે 'X' પર પોસ્ટમાં કહ્યું કે, 'ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. દુનિયાભરમાં જાણિતા રાજનેતા પોતાની પાછળ કરૂણા અને પ્રગતિની વિરાસત છોડી ગયા છે. તેમના નેતૃત્વમાં ભારતની વૈશ્વિક સ્થિતિ અને ફ્રાન્સ સાથે સંબંધો મજબૂત થયા.'

ઈરાને પણ કરી પોસ્ટ

ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, 'ડૉ. મનમોહન સિંહના નિધન પર દિલ્હી સ્થિત ઈરાનના દૂતાવાસે ભારત સરકાર અને લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેઓ એક ખુબજ સન્માનિત નેતા હતા, જેમણે ઈરાન-ભારતના ઐતિહાસિક સંબંધોને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.'


Google NewsGoogle News