VIDEO : ખૈબર પખ્તૂનખ્વામાં ભયાનક વિસ્ફોટમાં 7ના મોત, પાકિસ્તાની સેનાએ ત્રણ દિવસમાં 71 આતંકીને ઠાર કર્યા
Bomb Blast In Khyber Pakhtunkhwa : પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં એક શાંતિ સમિતિની ઑફિસમાં આજે (28 એપ્રિલ) ભયાનક બોંબ વિસ્ફોટ થયો છે, જેમાં સાત લોકોના મોત અને નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે કહ્યું કે, દક્ષિણ વજીરિસ્તાન જિલ્લાના હેડક્વાર્ટર વાનામાં એક સ્થાનીક શાંતિ સમિતિની ઓફિસમાં વિસ્ફોટ થયો છે.
વિસ્ફોટમાં આખી બિલ્ડિંગ નાશ પામી
ઈજાગ્રસ્તોની સારવાર કરીર રહેલા હોસ્પિટલથી માહિતી સામે આવી છે કે, વિસ્ફોટ બાદ 16 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લવાયા છે, જેમાંથી સાતના મોત થયા છે. બીજીતરફ કોઈપણ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. પોલીસે કહ્યું કે, વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, શાંતિ સમિતીની આખી બિલ્ડિંગ નાશ પામી છે અને કેટલાક લોકો કાટમાળ હેઠળ દબાયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તુરંત કાટમાળ હેઠળથી પીડિતોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા.
એક દિવસ પહેલા સેનાએ TTPના 54 લોકોને ઠાર કર્યા હતા
વિસ્ફોટના એક દિવસ પહેલા પાકિસ્તાની સેનાએ મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. સેનાએ અફઘાનિસ્તાથી ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં ઘૂસી રહેલા 54 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. શાતી સમિતિની ઓફિસમાં થયેલા હુલાની કોઈપણ સંગઠને જવાબદારી લીધી નથી, જોકે પાકિસ્તાન વિસ્ફોટમાં તાલિબાનનો હાથ હોવાનો આક્ષેપ કરી શકે છે, કારણ કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અથવા ટીટીપીના નામથી ઓળખાતું સંગઠન હંમેશા સુરક્ષા દળો અને નાગરિકોને નિશાન બનાવતું રહે છે.
આ પણ વાંચો : ચીન બાદ વધુ એક દેશ પાકિસ્તાનની પડખે, હથિયારો સાથે હરક્યુલસ એરક્રાફ્ટ મોકલ્યું
પાકિસ્તાની સેનાએ ત્રણ દિવસમાં 71 આતંકી ઠાર કર્યા
પાકિસ્તાની સુરક્ષા દળોએ આજે પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર મોટી કાર્યવાહી કરી હતી. સેનાએ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના વધુ 17 આતંકીઓને ઠાર કર્યા હતા. સેનાએ છેલ્લા ત્રણ દુવસમાં કુલ 71 વિદેશી આતંકીઓને ઠાર કર્યા છે. સેનાએ આતંકીઓ પાસેથી હથિયારો, ગોળીઓ અને વિસ્ફોટકનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો છે.