પેશાવરમાં સ્કૂલ પાસે બ્લાસ્ટ, સેંકડો બાળકો ઘાયલ, ચાર કિલો વિસ્ફોટકોનો ઉપયોગ
Image Source: Twitter
ઈસ્લામાબાદ, તા. 5 ડિસેમ્બર 2023
પાકિસ્તાનના પેશાવરમાં ફરી એક વખત સ્કૂલ પાસે થયેલા બ્લાસ્ટના કારણે સેંકડો બાળકો ઘાયલ થયા છે.
મળતા પ્રાથમિક અહેવાલો અનુસાર પેશાવરની એક સ્કૂલ પાસે થયેલા બ્લાસ્ટ બાદ પોલીસ દોડતી થઈ હતી. આ એક આતંકવાદી હુમલો હોવાની આંશકા પણ વ્યક્ત કરાઈ છે. પોલીસનુ કહેવુ છે કે, વિસ્ફોટક પર્દાર્થોનો ધડાકા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વિસ્ફોટમાં ઘાયલ બાળકોને પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પૈકી બે બાળકોની હાલત ગંભીર છે. હોસ્પિટલના કહેવા પ્રમાણે ઘાયલ બાળકો સાત વર્ષથી 10 વર્ષની વયના છે.
સ્થળ પર તપાસ કરી રહેલી પોલીસનુ કહેવુ હતુ કે, આજે સવારે નવ વાગ્યે આ બ્લાસ્ટ થયો હતો. જેમાં ચાર કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટકોને રસ્તાની એક તરફ સિમેન્ટ બ્લોકમાં છુપાવવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર શહેરને કોર્ડન કરીને આ મામલામાં સંડોવાયેલા લોકોની શોધ ચલાવવામાં આવી રહી છે.
બ્લાસ્ટ કરવા પાછળનો ઈરાદો શું હતો અને કોને ટાર્ગેટ કરવા માટે બ્લાસ્ટ કરાયો હતો તેની જાણકારી મળી નથી. બીજી તરફ કોઈ આતંકી સંગઠને પણ હજી સુધી આ હુમલાની જવાબદારી લીધી નથી.
આ પહેલા થોડા વર્ષો અગાઉ પણ પેશાવરમાં સ્કૂલ પર આતંકી હુમલો કરાયો હતો અને તેમાં સેંકડો બાળકોએ જીવ ગુમાવ્યા હતા.