‘સાંભળી લો જિનપિંગ, એવી મોત આપીશું કે...’ પાકિસ્તાનમાં ચીનને ધમકી, BLAનું કારસ્તાન
અલગ દેશની માંગ કરી રહેલા બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ વીડિયો જારી કરી ચીનને આપી ધમકી
બલૂચિસ્તાનમાં ચીનના નાગરિકો, અધિકારીઓ, ઠેકાણાઓને નિશાન બનાવવા ટીમ પણ તૈયાર હોવાનો વીડિયોમાં ઉલ્લેખ
ઈસ્લામાબાદ, તા.29 નવેમ્બર-2023, શુક્રવાર
Baloch Liberation Army Threat Video For China : છેલ્લા ઘણા દાયકાઓથી બલૂચિસ્તાન (Balochistan)ને અલગ દેશ જાહેર કરવાની માંગ મામલે સંઘર્ષ કરી રહેલા બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ વીડિયો જારી કરી ચીનને ધમકી આપી છે. પાકિસ્તાન (Pakistan) સ્થિત ચીનના અધિકારીઓને વીડિયો જારી કરી તેમના રહેણાંક પર આત્મઘાતી હુમલા કરવાની ચેતવણી અપાઈ છે. આમાં ચીનના રાષ્ટ્રપતિ અને પાકિસ્તાની જનરલને પણ ધમકી અપાઈ છે. તેમાં અંગ્રેજી ભાષામાં સ્પષ્ટ કહેવાયું છે કે, બલુચિસ્તાનમાં ચીનના અધિકારીઓ અને તેમના રહેણાંકો પર આત્મઘાતી હુમલા માટે એક ટીમ તૈયાર કરાઈ છે.
ચીનના નાગરિકો, અધિકારીઓ, ઠેકાણાઓને નિશાન બનાવવા ટીમ પણ તૈયાર
બલૂચિસ્તાન લિબરેશન આર્મીની ટુકડી મસ્જિદ બ્રિગેડે એક નવી આત્મઘાતી ટીમ બનાવી છે. આ ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય બલૂચિસ્તાનમાં માત્ર ચીનના નાગરિકો, અધિકારીઓ અને ઠેકાણાઓને નિશાન બનાવવાનો છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મીના ઉગ્રવાદીઓના વીડિયોમાં સ્પષ્ટ કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ શી જિનપિંગ, સ્પષ્ટ સાંભળી લો, તમે તુરંત બલૂચિસ્તાન છોડી દો, ખાલી કરી દો, નહીં તો તમે બલૂચિસ્તાનના દિકરા અને દિકરીઓનું જોહર જોવાના ગવાહ બનશો, આ જોહર તમે ક્યારે ભુલી નહીં શકો.’
પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ જનરલને પણ ધમકી
બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ (Xi Jinping)ને ધમકી આપી છે કે, તેઓ પોતાના લોકોને તુરંત બોલાવી લે નહીં તો આત્મઘાતી હુમલા સહન કરવા તૈયાર રહે. આમાં જિનપિંગને એમ પણ કહેવાયું કે, પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ જનરલ અસલમ બલોચ પણ તેમને બચાવી નહીં શકે. વીડિયોમાં પાકિસ્તાની જનરલને પણ ધમકી આપતા કહેવાયું છે કે, જનરલ અસલમ બલોચ (Aslam Baloch) પણ જાણી લે કે, તેમનું એટલે કે બલૂચિસ્તાન લિબરેશન આર્મીનું મિશન સતત ચાલુ રહેશે.