પાકિસ્તાનમાં વધુ એક ઐતિહાસિક હિન્દુ મંદિર તોડી પડાયું, તંત્રે હાથ અદ્ધર કરી દીધા
image : Socialmedia
Demolished Historic Hindu Temple in Pakistan : પાકિસ્તાનમાં એક દિવસ એવો નથી જતો જ્યારે ત્યાં રહેતા હિન્દુ, શીખ અને ખ્રિસ્તીઓ પર કોઈને કોઈ રીતે અત્યાચાર ના થતો હોય.
પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો અને ગુરુદ્વારા તોડી નાંખવા બહુ સામાન્ય વાત થઈ ગઈ છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલુ વધુ એક ઐતહાસિક મંદિર ધરાશાયી કરી દેવાયું છે. હવે ત્યાં એક કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવાનુ શરુ કરી દેવામાં આવ્યુ છે. આ મંદિર 1947થી બંધ હતું. તેની દેખરેખ કરનારા લોકો વર્ષો પહેલા પાકિસ્તાન છોડીને ભારત જતા રહ્યા હતા.
ખૈબર મંદિર તરીકે ઓળખાતું આ મંદિર સરહદી વિસ્તારમાં આવેલા લેન્ડી કોટાલ બજારમાં હતું અને ધીરે ધીરે તેની ઓળખ ભૂંસાતી જતી હતી. મળતી વિગતો પ્રમાણે 10 થી 15 દિવસ પહેલા અહીંયા મંદિર તોડીને નવુ બિલ્ડિંગ બનાવવાનુ શરૂ કરી દીધું છે. તંત્રે આવું કોઈ મંદિર હોવાનો જ ઈનકાર કરી દેતા કહ્યું છે કે, જે પણ બાંધકામ થઈ રહ્યું છે તે નિયમ પ્રમાણે છે.
જો કે સ્થાનિક પત્રકાર ઈબ્રાહિમ શિનવારીએ છાતી ઠોકીને કહ્યું છે કે, અહીંયા ઐતહાસિક મંદિર હતું અને શહેરની બરાબર વચ્ચે બનાવાયું હતું. આ મંદિરની દેખરેખ રાખતો પરિવાર સ્થળાંતર કરી ગયા બાદ મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું. 1992માં બાબરી મસ્જિદનો ધ્વંસ થયો થયો ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ મંદિર પર હુમલો કરીને તેને નુકસાન પહોંચાડ્યું હતુ. આ મંદિરને લઈને મેં મારા પૂર્વજો પાસેથી ઘણી વાતો સાંભળેલી છે. અહીંયા ખૈબર મંદિર તરીકે ઓળખાતુ મંદિર હતું તે વાતમાં કોઈ શંકા નથી.
પાકિસ્તાનના અંગ્રેજી અખબારે સ્થાનિક અધિકારીના હવાલાથી કહ્યું છે કે, સ્થાનિક જમીન રેકોર્ડમાં મંદિરનો કોઈ ઉલ્લેખ નથી. મંદિર તોડી પાડવામાં આવ્યું હોવાની અમને કોઈ જાણકારી નથી. આ બજારની તમામ જમીન સરકારને હસ્તક હતી.