લઘુમતી કોમની મહિલાઓનુ બળજબરીથી ધર્માંતરણ કરાઈ રહ્યુ છે તેનુ શું? અણિયાળા સવાલથી પાક રાજદૂતનો ફજેતો
નવી દિલ્હી,તા.10 સપ્ટેમ્બર 2022,શનિવાર
પાકિસ્તાનમાં આવેલા વિનાશક પૂરને લઈને અમેરિકામાં પત્રકાર પરિષદને સંબોધી રહેલા પાકિસ્તાનના યુએનના રાજદૂત મસુદ ખાનની આબરુનો ફજેતો થઈ ગયો હતો.
મસૂદ ખાન પાકિસ્તાનના પૂર અંગે અપડેટ આપી રહ્યા હતા ત્યારે ભારતીય મૂળના અમેરિકન અને રાજકીય આગેવાન માંગા અનંતમુલાએ તેમને કહ્યુ હતુ કે, તમારે લઘુમતી સમુદાયની મહિલાઓ પર પાકિસ્તાનમાં થઈ રહેલા રેપ, તેમનુ બળજબરથી ધર્માંતરણ અને અત્યાચારો પર પણ બોલવુ જોઈએ.
પાકિસ્તાનમાં તાજેતરમાં પૂરની સ્થિતિ વચ્ચે એક સગીર વયની હિન્દુ યુવતી પર ફ્રી રાશન આપવાના નામે રેપ કરવામાં આવ્યો હતો અને આ સંદર્ભમાં અનંતમુલાએ પાકિસ્તાનના રાજદૂતને અણીયાળો સવાલ કર્યો હતો.
અનંતમુલાએ કહ્યુ હતુ કે, તમારા દેશમાં લઘુમતીઓનુ જબરદસ્તીથી જે રીતે ધર્માંતરણ કરાઈ રહ્યુ છે તેના પર પણ તમારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવુ જોઈએ.પાકિસ્તાન પૂરના નામે પાખંડ રચી રહ્યુ છે. તમે તમારી માળખાકીય સુવિધાઓના વિકાસ પર ધ્યાન આપવાની જગ્યાએ માત્ર સૈન્ય અને પરમાણુ શક્તિ વધારવામાં જ રોકાણ કરી રહ્યા છો.
અનંતમુલાના સવાલોના પગલે પાકિસ્તાનના રાજદૂત પરેશાન જોવા મળ્યા હતા અને કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા.