ભૂખમરો દૂર કરવા માટે પાકિસ્તાની સેના હવે 10 લાખ એકર જમીન પર ખેતી કરશે

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
ભૂખમરો દૂર કરવા માટે પાકિસ્તાની સેના હવે 10 લાખ એકર જમીન પર ખેતી કરશે 1 - image


Image Source: Twitter

ઈસ્લામબાદ, તા. 26 સપ્ટેમ્બર 2023

ખરાબ આર્થિક સ્થતિનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં હવે સેનાએ ખેતી કરવાની જવાબદારી ઉપાડી છે. પાકિસ્તાની સેનાએ આ માટે 10 લાખ એકર જમીન સંપાદન કરી લીધી છે. જોકે તેના કારણે પાકિસ્તાનમાં ચિંતાઓ વધી ગઈ છે.

એક અખબારી અહેવાલ અનુસાર ખાદ્ય સુરક્ષા અભિયાન નવા વર્ષથી શરુ કરાશે. જેની પાછળનો હેતુ ખેત પેદાશોના ઉત્પાદનમાં વધારો કરવાનો છે. આ માટે પાકિસ્તાની સેના પંજાબ પ્રાંતમાં 10 લાખ એકર જમીન સંપાદન કરવા જઈ રહી છે. આ વિસ્તાર દિલ્હી કરતા ત્રણ ગણો કહી શકાય. યોજનાનુ સમર્થન કરનારાનુ કહેવુ છે કે, સેના દ્વારા થનારી ખેતીથી ઉત્પાદન વધશે અને પાણીની પણ બચત થશે. પાકિસ્તાનને વિદેશી હુંડિયામણ વધારવા માટે ખેત પેદાશોની એક્સપોર્ટની સખ્ત જરુર છે.

ખેત પેદાશો વેચીને જે પણ કમાણી થશે તેમાથી 20 ટકા કૃષિ વિકાસ માટે અનામત રખાશે. બાકીની રકમ સેના અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવશે. આ જમીન સેનાને 30 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવનાર છે.

જોકે ઘણા લોકોને ચિંતા છે કે, પહેલેથી જ શક્તિશાળી પાકિસ્તાની સેના ખેતી કરીને ભારે નફો પોતાના ગજવામાં નાંખશે. જેનાથી પાકિસ્તાનના કરોડો જમીન વિહોણા ગરીબોને નુકસાન થશે. દેશની સૌથી મોટી જમીન માલિક બનીને સેના પાકિસ્તાનના રાજકારણમાં વધારે શક્તિશાળી બની જશે. સેનાનુ કામ ખેતી કરવાનુ નથી પણ સરહદ પર ફરજ બજાવવાનુ છે.

આ પહેલા પાકિસ્તાની સેનાને જમીન આપવા સામે હાઈકોર્ટે રોક લગાવી હતી. જોકે બીજી બેન્ચે આ નિર્ણય પલટી નાંખ્યો હતો. પાકિસ્તાની સેનાનુ આ મુદ્દે કહેવુ છે કે, જે જમીને સેનાને ફાળવવામાં આવી છે તે પહેલેથી જ ઉજ્જડ છે અને તેનાથી ખેડૂતોને નુકસાન થવાનો કોઈ સવાલ ઉભો થતો નથી.


Google NewsGoogle News