ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાન આર્મીનો ગોળીબાર, અનેકનાં મોત
આઝાદીની માગણી સાથે ઠેર-ઠેર પ્રદર્શનો
નાગરિકોની માલિકીની જમીન પર પાકિસ્તાન આર્મી બળજબરીથી કબજો કરતી હોવાથી આક્રોશ ફાટી નીકળ્યો
પાકિસ્તાનના કબજા હેઠળના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં આઝાદીની માગણી સાથે સેંકડો પ્રદર્શનકારીઓએ આર્મી સામે મોરચો માંડયો છે. પાકિસ્તાની આર્મીએ બેરહેમથી પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવી હતી, જેમાં અનેકનાં મોત થયા હતા. કેટલાક લોકો ઘાયલ થયા હતા. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન સરકાર અને આર્મી સામે વિરોધ દિવસે દિવસે વધતો જાય છે.
છેલ્લાં ઘણા સમયથી ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન સરકાર અને પાક. આર્મી સામે લોકોએ મોરચો માંડયો છે. આઝાદીની માગણી સાથે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. લોકો પાકિસ્તાનની આર્મી વિરૃદ્ધ સૂત્રોચ્ચારો કરી રહ્યાં છે. પ્રદર્શનોમાં વધુને વધુ લોકો જોડાતા આંદોલન વધારે તીવ્ર બન્યું છે.
આંદોલનને વિખેરી નાખવા માટે પાકિસ્તાની સૈન્યએ પ્રદર્શનકારીઓ પર બળ પ્રયોગકર્યો હતો. પ્રદર્શન કરી રહેલાં લોકો પર પાકિસ્તાની આર્મીએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. એમાં અનેક પ્રદર્શનકારીઓનાં મોત થયાનું કહેવાય છે. અસંખ્ય પ્રદર્શનકારીઓ ઈજાગ્રસ્ત બન્યા છે. જોકે, એ અંગેની સત્તાવાર જાણકારી આપવામાં આવી ન હતી. આ અંધાધૂંધ ગોળીબારના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પાકિસ્તાની લશ્કરના અંધાધૂંધ ફાયરિંગ પછીય લોકોએ મોરચો છોડયો ન હતો. લોકોએ હિંમતથી સામનો કર્યો હતો અને પ્રદર્શનો ચાલુ રાખ્યા હતા.
ગિલગિટ બાલ્ટિસ્તાનમાં કેટલાય સમયથી પ્રદર્શનો વધ્યા છે. થોડા સમયથી આ વિસ્તારમાં પાકિસ્તાની લશ્કરનો ત્રાસ વધ્યો હોવાથી લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. પાક. આર્મી નાપાક રીતે આખાય વિસ્તારમાં લોકોની માલિકીની જમીન હડપ કરી રહી છે. તેની સામે લોકો વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. સ્થાનિક લોકો આઝાદીની માગણી કરી રહ્યાં છે અને પાકિસ્તાનની સરકાર અને આર્મી બળપૂર્વક એ વિરોધને ડામી દેવા મથામણ કરે છે.