POKના ઐતિહાસિક શારદા મંદિરમાં પાકિસ્તાની સેનાએ દબાણ કરીને કોફી હાઉસ બનાવી દીધુ, મંદિર સમિતિએ ભારતની મદદ માંગી
image : Twitter
નવી દિલ્હી,તા.30 ડિસેમ્બર 2023,શનિવાર
પાકિસ્તાનમાં રહેતા હિન્દુ અને સિખો પર અત્યાચાર કરવામાં પાકિસ્તાનના લોકોએ કશુ બાકી રાખ્યુ નથી.
પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલા ઐતહાસિક શારદા મંદીર પર તો પાકિસ્તાની સેનાએ અતિક્રમણ કરેલુ છે અને તેને હટાવવા માટે હવે શારદા મંદિર બચાવો સમિતિ દ્વારા ભારત સરકારને આજીજી કરવામાં આવી છે. કમિટિએ કહ્યુ છે કે, ભારત સરકાર મદદ કરે તો આ મંદિરનો જિર્ણોધ્ધાર શક્ય છે.
સમિતિના સ્થાપક રવિન્દ્ર પંડિતાએ પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે, પાકિસ્તાની સેનાએ પ્રાચીન શારદા મંદિર પરિસરમાં દબાણ કર્યુ છે અને કોર્ટે સમિતિના પક્ષમાં આદેશ આપ્યો હોવા છતા પાકિસ્તાની સેનાએ ત્યાં કોફી હાઉસ બનાવી દીધુ છે.
ઉલ્લેખીય છે કે, પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરની હાઈકોર્ટે જાન્યુઆરી મહિનામાં જ સમિતિની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. મંદિર પરિસરમાં થઈ રહેલા દબાણ સામે શારદા મંદિર બચાવો સમિતિએ કોર્ટમાં પિટિશન કરી હતી.
રવિન્દ્ર પંડિતાએ કહ્યુ હતુ કે, પીઓકેના બીજા લોકોએ પણ આ મુદ્દે સમિતિની સાથે મળીને અવાજ ઉઠાવ્યો છે. પાકિસ્તાની સેના અહીંથી પોતાનુ કોફી હાઉસ નહીં હટાવે તો અમે એલઓસી સુધી માર્ચ કરવાની અને એલઓસી ક્રોસ કરવાનુ પણ આહવાન કરીશુ. શારદા મંદિરને સમર્થન આપી રહેલા લોકોએ ભવિષ્યમાં આ રેલી માટે તૈયાર રહેવુ પડશે. શારદા મંદિરને યુનેસ્કો દ્વારા હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવે.
તેમણે કહ્યુ હતુ કે, કાશ્મીરના ટીટવાલમાં આવેલા શારદા મંદિર અને તેની સાથેના ગુરુદ્વારાને 1947માં કબાઈલિયોએ કરેલા હુમલા દરમિયાન આગ ચાંપી દેવામાં આવી હતી. આ બંને સ્થળોને ફરી બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, નવા બનેલા શારદા મંદિરનુ ઉદઘાટન માર્ચ મહિનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યુ હતુ.