ભારત સાથે મિત્રતા કરો, ચીનથી દૂર રહો... પાકિસ્તાની સેના પ્રમુખને અમેરિકાની સલાહ
વોશિંગ્ટનની મુલાકાતે ગયેલા પાકિસ્તાનના જનરલ અસીમ મુનીરને અમેરિકાની સલાહ
અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું, ભારત સાથે સંબંધો સુધારો અને LOC પર શાંતિ જાળવો
ઈસ્લામાબાદ, તા.18 નવેમ્બર-2023, સોમવાર
અમેરિકા (America)એ ભારત (India), ચીન (China) અને પાકિસ્તાન (Pakistan) અંગે મોટી પ્રતિક્રિયા આપી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી સંબંધો વણસેલા છે, જેના કારણે ભારતે તેની સાથે તમામ સંબંધો કાપી નાખ્યા છે, તો સરહદ પર ચીનની પણ વારંવાર કરતુતોને કારણે ભારતે પણ તેને વળતો જવાબ આપતી રહી છે. બીજીતરફ પાકિસ્તાન અને ચીન વચ્ચે પણ ગાઢ મિત્રતા છે, જેના કારણે પાકિસ્તાન અવારનવાર ચીનને તમામ પ્રકારની સુવિધાઓ અને પ્રોજેક્ટો આપતો રહે છે. હવે ત્રણેય દેશોના વિવાદ વચ્ચે અમેરિકાએ એન્ટ્રી કરી છે.
પાકિસ્તાન ભારત સાથે સંબંધ સુધારો, LOC પર શાંતિ જાળવે
વોશિંગ્ટનની મુલાકાતે ગયેલા પાકિસ્તાનના જનરલ અસીમ મુનીર (Pakistan Army Chief General Asim Munir)ને અમેરિકાએ ભારત તરફી મિત્રતા વધારવા અને ચીનથી દૂર રહેવાની સલાહ આપી છે. અમેરિકાએ પાકિસ્તાનને એમ પણ કહ્યું કે, ચીનને માત્ર આર્થિક સંબંધો સુધી સીમિત રાખો, વધારાના કોઈપણ સિક્યોરિટી સેટ-અપ સુધી પહોંચવા ન દો. અમેરિકાએ પાકિસ્તાનને ભારત સાથે સંબંધો સુધારવા અને એલઓસી પર શાંતિ જાળવવાની પણ સલાહ આપી છે.
ચીને પાકિસ્તાન પાસે માંગ કર્યા બાદ અમેરિકાએ આપી સલાહ
ઉલ્લેખનિય છે કે, ચીને પાકિસ્તાનમાં સૈન્ય સુરક્ષા ચોકીઓ બનાવા સહિતની માંગ કરી છે, ત્યારે અમેરિકાની આ સલાહ પાકિસ્તાનમાં ચીનની કામગીરીને અટકાવવા તરીકે માનવામાં આવી રહી છે. ચીન પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકો માટે બલુચિસ્તાનના ગ્વાદરમાં સૈન્ય ચોકીઓ સ્થાપવા માંગે છે, ઉપરાંત પોતાના ફાઈટર પ્લેનો માટે ગ્વાદર ઈન્ટરનેશનલ વિમાની મથકનો ઉપયોગ કરવા થનગની રહ્યું છે. આ માટે ચીને પાકિસ્તાન પાસે માંગ પણ કરી છે.
ભારત સાથે સંબંધ સુધારો
અહેવાલો મુજબ અમેરિકન અધિકારીઓએ પાકિસ્તાની સેના પ્રમુખને કહ્યું હતું કે, જો તેમના દેશને નાણાંકીય મદદની જરૂર છે, તો તેમણે ભારત સાથે વ્યાપાર સહિત કેટલાક નિયમો અને શરતો સ્વિકારવી પડશે. અમેરિકાએ તેમને એમ પણ કહ્યું કે, તમારે વહેલી તકે ભારત સાથે વાત કરવી જોઈએ અને તેમની સાથે વેપારી સંબંધો વિકસાવવા જોઈએ.