બલુચિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર હથિયારધારીઓનો હુમલો, 3 કોન્સ્ટેબલને બંધક બનાવી હથિયારોની લૂંટ
8 જેટલા હથિયારધારીઓએ તુરબત પોલીસ ચોકી પર હુમલો કરી સબમશીન બંદુકો અને દારુગોળો લૂંટ્યા
રાજધાની ક્વેટામાં પણ શંકાસ્પદ વ્યક્તિ વાહન સાથે કેન્ટોનમેન્ટમાં ઘૂસી આવ્યો, પોલીસે કરી ધરપકડ
કરાંચી, તા.16 નવેમ્બર-2023, ગુરુવાર
પાકિસ્તાન (Pakistan)ના બલુચિસ્તાન (Balochistan) પ્રાંતમાં હથિયારધારી લોકોએ એક ચેકપોસ્ટ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, અહીં તુરબતમાં પોલીસ ચોકી પર ભારે હથિયારોથી સજ્જ હુમલાખોરોએ ત્રાટકી ત્રણ પોલીસ કોન્સ્ટેબલને બંધક બનાવ્યા છે. હુમલાખોરોએ ત્રણ કોન્સ્ટેબલને બંધક બનાવવા ઉપરાંત સબમશીન બંદુકો અને દારુગોળો પણ લૂંટી લીધા છે. અધિકારીઓએ જણાવ્યું કે, લગભગ 6થી 8 હથિયારાધારી લોકોએ ચેકપોસ્ટ પર હુમલો કર્યો છે. જોકે કયા સંગઠન દ્વારા આ કરતુત કરાઈ છે, તે હજુ સામે આવ્યું નથી.
ક્વેટામાં પણ શંકાસ્પદ વ્યક્તિ વાહન સાથે કેન્ટોનમેન્ટમાં ઘૂસ્યો
દરમિયાન અધિકારીઓએ કહ્યું કે, એક શંકાસ્પદ વ્યક્તિ રાજધાની ક્વેટામાં એન્ટ્રી પોઈન્ટ ઉપર ઓળખ આપ્યા વગર અને વાહન થોભાવ્યા વિના કેન્ટોનમેન્ટમાં ઘૂસી ગયો હતો, જેની સુરક્ષા દળોએ ધરપકડ કરી લીધી છે. આ શખસનું નામ એસ્સા ખાન હોવાનું કહેવાય છે અને તે સુરક્ષા પોઈન્ટમાં સુઝુકી વાન સાથે ઘૂસી ગયા હતો. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.