ભારતમાં CAA લાગુ થવા મુદ્દે અમેરિકાને થઈ ચિંતા, લોકતંત્ર પર આપ્યું 'જ્ઞાન', પાકિસ્તાનને પણ લાગ્યા મરચાં
- ધાર્મિક સ્વતંત્રતાનું સમ્માન અને કાયદા હેઠળ તમામ સમુદાય સાથે સમાન વ્યવહાર મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંત છે: અમેરિકા
નવી દિલ્હી, તા. 15 માર્ચ 2024, શુક્રવાર
નાગરિકતા સંશોધન કાયદો એટલે કે, CAA લાગુ કરવાનું નોટિફિકેશન જાહેર થયા બાદ હવે તે દેશભરમાં લાગુ થઈ ગયો છે. વિપક્ષો CAAનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ આ વચ્ચે પાકિસ્તાને પણ CAA અંગે નિવેદન આપ્યુ છે.
પાકિસ્તાને CAAને ભેદભાવપૂર્ણ ગણાવતા કહ્યું કે, આ કાયદો ધર્મના આધાર પર લોકોનું વિભાજન કરનારો છે. પાકિસ્તાને નિવેદન જારી કરીને કહ્યું છે કે ભારતીય મુસ્લિમોએ આ કાયદાથી ડરવાની જરૂર નથી કારણ કે CAAથી તેમની નાગરિકતા પર કોઈ અસર નહીં પડશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, એ સ્પષ્ટ છે કે, CAA અને તેના નિયમો ભેદભાવપૂર્ણ છે કારણ કે તે ધર્મના નામ પર લોકોનું વિભાજન કરનારા છે.
તેમણે કહ્યું કે આ નિયમો એ ખોટી ધારણા પર આધારિત છે કે મુસ્લિમ દેશોમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને ભારત લઘુમતીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. મુમતાઝે CAAની ટીકા કરતા કહ્યું કે, પાકિસ્તાનની સંસદમાં16 ડિસેમ્બર 2019 ના રોજ પણ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં CAAને સમાનતાના આંતરરાષ્ટ્રીય નિયમોની વિરુદ્ધ ગણાવ્યો હતો.
તેમણે કહ્યું કે, અમારું માનવું છે કે, ભારતની અંદર લઘુમતીઓને ટાર્ગેટ નહીં કરશે અને સરકાર તે દિશામાં પગલા ભરશે.
CAA પર અમેરિકાએ શું કહ્યું?
ભારતમાં CAAનું નોટિફિકેશન જાહેર થયા બાદ અમેરિકાએ પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કહ્યું કે, તે CAAના નોટિફિકેશન અંગે ચિંતિત છે અને તેના પર નજર રાખી રહ્યું છે.
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યુ મિલરે કહ્યું કે, ભારતે 11 માર્ચના રોજ નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન જાહેર કર્યું જે અંગે અમે ચિંતિત છે. અમે તેના પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે કે, આ કાયદાને કઈ રીતે લાગુ કરવામાં આવશે. ધાર્મિક સ્વતંત્રતાનું સમ્માન અને કાયદા હેઠળ તમામ સમુદાય સાથે સમાન વ્યવહાર મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંત છે.