પૂર્વ પીએમ શાહબાઝ શરીફને મોંઘવારીથી નારાજ લોકોએ પરચો બતાવ્યો, ગાડીમાંથી પણ ઉતરવા ના દીધા

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
પૂર્વ પીએમ શાહબાઝ શરીફને મોંઘવારીથી નારાજ લોકોએ પરચો બતાવ્યો, ગાડીમાંથી પણ ઉતરવા ના દીધા 1 - image

image : Socialmedia

ઈસ્લામાબાદ,તા.5 ઓક્ટોબર 2023,ગુરૂવાર

મોંઘવારીના બોજથી બેવડ વળી ગયેલી જનતાના આક્રોશનો પરચો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શાહબાઝ શરીફને મળ્યો છે. 

પાકિસ્તાનમાં યોજાનારી આગામી ચૂંટણી માટે શરીફે પ્રચાર શરુ કરી દીધો છે. જોકે લોકો તેમનાથી નારાજ છે અને તેમના માટે લોકો વચ્ચે જવુ મુશ્કેલ બની રહ્યુ છે. બુધવારે શાહબાઝ શરીફ લાહોર પહોંચ્યા તો તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. 

એક વર્ષ સુધી વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી જેવા મુદ્દે નારાજ લોકોએ તેમની ગાડીને ઘેરી લીધી હતી. લોકોએ કારના બોનેટ પર હાથ પછાડ્યા હતા અને તેમાંના કેટલાક તો શરીફને ગાળો પણ આપી રહ્યા હતા. જેનો એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. 

માહોલ એટલો તંગ બની ગયો હતો કે, શરીફ પોતાની ગાડીમાંથી ઉતરી પણ શક્યા નહોતા. લોકોએ મોંઘવારીના મુદ્દે શરીફનો ઘેરાવો કર્યો હોવાનુ મનાઈ રહ્યુ છે. 

આ પહેલા શાહબાઝ શરીફે એલાન કર્યુ હતુ કે, પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પાર્ટીના વડા નવાઝ શરીફ દેશમાં પાછા ફરી રહ્યા છે અને તેઓ દેશને સંકટમાંથી ઉગારવા માટે પાકિસ્તાન પાછા આવી રહ્યા છે. 21 ઓક્ટોબરે મારા ભાઈ પાકિસ્તાન પાછા આવશે. નવાઝ શરીફની વાપસી પાકિસ્તાન માટે સમૃધ્ધિ તરફની યાત્રાનો પ્રારંભ હશે. 

ઉલ્લેખનીય છે કે, 2019થી નવાઝ શરીફ લંડનમાં રહે છે અને 2017માં સુપ્રીમ કોર્ટે તેમને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવ્યા હતા. શરીફે પાર્ટી કાર્યકરોને તેમનુ શાનદાર સ્વાગત કરવા માટે હાકલ કરી હતી. 


Google NewsGoogle News