54 વર્ષમાં પહેલીવાર બાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર, ભારતને કેવી અસર થશે?
Bangladesh And Pakistan Trade Relation: બાંગ્લાદેશની સત્તા પરથી શેખ હસીનાની વિદાય બાદ દેશની દિશા જ બદલાઈ ગઈ છે. બાંગ્લાદેશ ભારત સામે વિરોધ નોંધાવી પાકિસ્તાનનો અંગત મિત્ર બનવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાલમાં જ બાંગ્લાદેશે પાકિસ્તાનમાંથી આયાત કરવા મંજૂરી આપી હતી. ત્યાંથી આવતા કાર્ગો પર ફિઝિકલ ચેકિંગ કરવાનો પણ ઈનકાર કર્યો હતો. હવે બંને દેશો વચ્ચે સીધો કારોબાર કરવાની મંજૂરી મળી છે. બંને દેશો વચ્ચે આ કરારથી ભારતની નિકાસ પર અસર થશે. બાંગ્લાદેશમાં સૌથી વધુ આયાત ભારતમાંથી થાય છે.
પાકિસ્તાન સાથે પહેલીવાર સીધો કારોબાર
1971 બાદ પ્રથમ વખત પાકિસ્તાનમાંથી સરકારી મંજૂરી ધરાવતો માલ-સામાન બાંગ્લાદેશ રવાના થશે. આ કાર્ગો શીપ કરાંચીના કાસિમ પોર્ટથી રવાના થઈ ચૂકી છે. બાંગ્લાદેશની સ્થાપના 1971માં થઈ હતી. ત્યારથી અત્યારસુધી તેણે ક્યારેય પાકિસ્તાન સાથે સીધો કારોબાર કર્યો નથી. પાકિસ્તાન સાથે કારોબાર કરવા ફેબ્રુઆરીની શરૂઆતમાં જ બાંગ્લાદેશે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જે હેઠળ 50,000 ટન પાકિસ્તાની ચોખાની આયાત કરવા મંજૂરી આપી છે. ચોખાની આ ખરીદી ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાનથી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ શેરબજારમાં આજે બ્લેક Monday, સેન્સેક્સમાં 800થી વધુ પોઇન્ટનો કડાકો, 230 શેર વર્ષના તળિયે
સત્તાપલટો થતાં ઈસ્લામિક કટ્ટરપંથીની તાકત વધી
ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ એક પૂર્વ હિસ્સો પાકિસ્તાનનો જ હતો. જો કે, બાદમાં 1971માં પાકિસ્તાનમાંથી આ હિસ્સો અલગ થયા બાદ બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર દેશ બન્યો. પરંતુ વર્ષોથી સત્તાની કમાન સંભાળી રહેલા શેખ હસીનાની સત્તાનો પલટો થતાં જ ઈસ્લામિક કટ્ટરપંથીઓની તાકાત વધી છે.
જમાત-એ-ઈસ્લામી મજબૂત બની
બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામી ફરીથી મજબૂત બની છે. જે ઈસ્લામના નામ પર પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરે છે. મોહમ્મદ યુનુસ પણ ઈસ્લામિક કટ્ટરપંથીની તાકાતોના પ્રભાવમાં છે. જેના લીધે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સત્તાવાર કારોબાર શરૂ થયો છે. પાકિસ્તાન પાસેથી બાંગ્લાદેશ પ્રથમ ચરણમાં 25,000 ટન ચોખાની આયાત કરશે. આ આયાત માર્ચથી શરૂ થશે.
બાંગ્લાદેશમાં સૌથી વધુ આયાત ભારતમાંથી
બાંગ્લાદેશ ભારત પાસેથી ખાદ્ય ચીજો, કપડાં સહિત ઘણી વસ્તુઓની ખરીદી કરે છે. પરંતુ શેખ હસીનાને ભારતમાં શરણ આપતાં બાંગ્લાદેશની નવી યુનુસ સરકાર ભારતને પોતાનો દુશ્મન ગણી રહી છે. તેઓ ભારત પરની નિર્ભરતા ઘટાડવા માટે પાકિસ્તાન તરફ વળ્યા છે. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ સાથે પણ મુલાકાત કરી બિઝનેસ ડીલ મુદ્દે ચર્ચા કરી હતી. તે ટૂંકસમયમાં પાકિસ્તાનની મુલાકાત લેવાની તૈયારીમાં છે.