ઈરાનમાં હુમલાખોરોનો આડેધડ ગોળીબાર, 9 પાકિસ્તાનીનાં મોત, બંને દેશોના સંબંધ બગડવાની આશંકા
તાજેતરમાં જ ઈરાને પાકિસ્તાનમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી હતી
image : Twitter |
Pakistan and Iran Controversy News | પાકિસ્તાન અને ઈરાન વચ્ચે ખેંચતાણ અને સંઘર્ષની સ્થિતિ હજુ યથાવત્ છે. ફરી એકવાર ઇરાનમાં બંદૂકધારીઓએ 9 પાકિસ્તાનીઓની હત્યા કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના રાજદૂતે આ ઘટનાની પુષ્ટી કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઈરાને પાકિસ્તાનમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી હતી જેના બાદ પાકિસ્તાની સરકારે ઇરાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન સાંખી નહીં લેવાય.
પાકિસ્તાની રાજદૂતે શું કહ્યું?
ઈરાનની રાજધાની તહેરાનમાં તહેનાત પાકિસ્તાનના રાજદૂત મુદસ્સિર ટીપુએ કહ્યું કે ઈરાનના સરાવાનમાં 9 પાકિસ્તાનીઓની હત્યાથી ભારે આઘાત લાગ્યો. આ એક ભયાવહ ઘટના છે. પાકિસ્તાની દૂતાવાસ પીડિત પરિવારોની પડખે છે. ઈસ્લામાબાદે તહેરાનને પણ આ મામલે સહયોગ કરવા અપીલ કરી હતી. અહેવાલ અનુસાર 9 લોકોના મૃત્યુ ઉપરાંત અન્ય 3 લોકો હુમલામાં ઘાયલ થયા હતા.
ઘરમાં ઘૂસીને કર્યો હુમલો
બલૂચ અધિકાર સમૂહ હલવાશની માનીએ તો તમામ પીડિતો પાકિસ્તાની મજૂર હતા જે એક કાર સમારકામની દુકાને રહેતા હતા અને ત્યાં જ કામ કરતા હતા. રાજ્યના ડેપ્યુટી ગવર્નર અલીરઝા મરહમતીએ કહ્યું હતું કે 9 વિદેશી લોકો મૃત્યુ પામ્યા છે. હુમલામાં જીવીત બચેલા લોકોનું કહેવું છે કે ત્રણ હથિયારધારીઓએ ઘરમાં ઘૂસીને આડેધડ ગોળીબાર કરી દીધો હતો.
પાકિસ્તાને આતંકી હુમલો ગણાવ્યો
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો હતો. મંત્રાલયે કહ્યું કે ઈસ્લામાબાદ ઈરાનના અધિકારીઓના સંપર્કમાં છે. અમે તહેરાનને આ ઘટનાની તપાસ કરાવવા આહ્વાન પણ કર્યું છે. મંત્રાલયના પ્રવક્તા મુમતાજ ઝહરા બલૂચે કહ્યું કે આ એક ભયાવહ અને ઘૃણાસ્પદ ઘટના હતી અને અમે આ હુમલાની ટીકા કરીએ છીએ.