પાકિસ્તાન પાસે પણ એટમ બોમ્બ છે ફારૂક અબ્દુલ્લાની ભારતને ચેતવણી
- પીઓકે મુદ્દે રાજનાથને જવાબ આપવામાં અબ્દુલ્લાનો બફાટ
- પાક પાસે એટમબોમ્બ હોય તો ભારત પાસે પણ ફટાકડા નથી: ગિરીરાજ કિશોરનો અબ્દુલ્લા પર વળતો પ્રહાર
નવી દિલ્હી : પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (પીઓકે)ને ભારતમાં મેળવવાને લઈને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાએ વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે તે ધ્યાનમાં રાખજો. રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભારત પીઓકે પર તેનો દાવો ક્યારેય નહીં છોડે.
તેમણે તેની સાથે જણાવ્યું હતું કે ભારતે તેના માટે બળપ્રયોગ કરવાની જરૂર નહી પડે. તેનું કારણ એ છે કે કાશ્મીરનો વિકાસ જોયા પછી પીઓકેના લોકો જ કાશ્મીરનો હિસ્સો બનવા માંગશે. રાજનાથસિંહના નિવેદન પર પ્રતિસાદ આપતા ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જો સંરક્ષણ પ્રધાન કહી રહ્યા છે તો આગળ વધે. અમે તેમને રોકનારા કોણ છીએ. પણ યાદ રાખો કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે, તેણે પણ બંગડીઓ પહેરી નથી અને કમનસીબે તે પરમાણુ બોમ્બ અમારા પર જ પડશે. ફારુક અબ્દુલ્લાના નિવેદન પર કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ કિશોરે વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે જો પાકિસ્તાન પાસે પણ પરમાણુ બોમ્બ છે તો ભારત પાસે પણ ખાલી ફટાકડા નથી. દેશની અંદર મુસલમાનોના વોટ લેવા માટે આ એક નવી રાજકીય શૈલી બની છે.