પાકિસ્તાનમાં પણ છે 16મી સદીમાં બનેલુ ભગવાન રામનુ મંદિર, હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી નથી
Image Source: Twitter
ઈસ્લામાબાદ, તા. 21 જાન્યુઆરી 2024
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ચુકયુ છે . આખા ભારતમાં રામ નામનો મહિમા ગવાઈ રહ્યો છે. તેવામાં ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના ઐતહાસિક રામ મંદિરને પણ યાદ કરવુ જોઈએ.
ઈસ્લામાબાદ નજીક માર્ગલ્લા હિલ્સ ખાતે આવેલુ આ મંદિર16મી સદીમાં બન્યુ હોવાનુ મનાય છે. તેને રામ કુંડ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુઓ માટે તો આ મંદિરનુ મહત્વ બહુ છે પણ કટ્ટરવાદી પાકિસ્તાનમાં અહીંયાથી મૂર્તિઓ હટાવી લેવામાં આવી છે. હિન્દુઓને આ મંદિરમાં પૂજા કરવાની પરવાનગી નથી. માત્ર હવે આ મંદિર જ્યાં આવેલુ છે તે જગ્યા પર્યટકોના ફરવા માટેનુ સ્થળ બનીને રહી ગઈ છે.
હિન્દુઓનુ આ મંદિર અંગે માનવુ છે કે, ભગવાન રામ પોતાના ભાઈ લક્ષ્મણ અને પત્ની સિતા સાથે આ વિસ્તારમાં થોડા સમય માટે રોકાયા હતા. મંદિરને અડીને એક તળાવ આવેલુ છે અને તે રામ કુંડ તરીકે ઓળખાય છે. કારણકે ભગવાન રામે અહીંયા પાણી પીધુ હતુ.
મંદિર લાલ ઈંટોથી બનેલુ છે. એક માળના મંદિરના પ્રાંગણમાં એક ઉંચુ સ્ટેજ જેવુ બનાવાયેલુ છે. જ્યાં ભગવાન રામ, સીતા માતા અને લક્ષ્મણજીની મૂર્તિઓ મુકવામાં આવી હતી. 1893ના રેકોર્ડ પ્રમાણે ભગવાન રામની સ્મૃતિમાં મંદિર પાસે તળાવ કિનારે દર વર્ષે મેળો યોજાતો હતો. દૂર દૂરથી હિન્દુઓ પૂજા માટે અહીંયા આવતા હતા અને નજીકમાં બનેલી ધર્મશાળામાં રોકાતા હતા.
જોકે 1947ના ભાગલા બાદ પાકિસ્તાની સરકારે મંદિરમાં પૂજા પર પ્રતિબંધ મુકી દીધો હતો અને ત્યારથી અહીંયા પૂજા થઈ નથી. સરકારે એક તબક્કે તો મંદિરના કેમ્પસને સ્કૂલમાં ફેરવી નાંખ્યુ હતુ પણ હિન્દુ સમુદાયે કરેલા ભારે વિરોધ બાદ સ્કૂલને બીજે ખસેડવામાં આવી હતી. પણ હિન્દુઓને અહીંયા પૂજા કરવાની મંજૂરી આજે પણ નથી.
મંદિરની આસપાસ હવે કેટલાક રેસ્ટોરન્ટ અને હસ્તકળાની દુકાનો છે.પાણીના તળાવની જગ્યાએ એક વરસાદી કાંસ ગામમાંથી પસાર થતો જોવા મળે છે.જેમાં પણ ગંદુ પાણી વહેતુ હોય છે.