પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એર સ્ટ્રાઈક, 8 લોકોના મોત, કાર્યવાહીનું કારણ આવ્યું સામે
- આ હુમલામાં અનેક મહિલાઓ અને બાળકો પણ માર્યા ગયા
નવી દિલ્હી, તા. 18 માર્ચ 2024, સોમવાર
પાકિસ્તાને અફઘાનિસ્તાનની અંદર બે હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં 8 લોકોના મોત થઈ ગયા છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનની સખત નિંદા કરી છે. તાલિબાને તેને દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ હુમલામાં અનેક મહિલાઓ અને બાળકો પણ માર્યા ગયા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાની વાયુસેનાએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના એક કમાંડરના ઘરને નિશાન બનાવીને આ હુમલાને ખાસ રૂપે અંજામ આપવામાં આવ્યો હતો. એર સ્ટ્રાઈક દરમિયાન પાકિસ્તાની સેનાએ બે અલગ-અલગ ક્ષેત્રોમાં હુમલાને અંજામ આપ્યો છે.
આતંકવાદી સતત સરહદ પર કરી રહ્યા હુમલા: પાકિસ્તાન
2021 માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે સત્તા પર કબજો કર્યા બાદથી બંને દેશો વચ્ચે સરહદ વિવાદ સતત વધી રહ્યો છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે આતંકવાદીઓ સતત સરહદ પર હુમલા કરી રહ્યા છે. પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બપોરે લગભગ 3:00 વાગ્યે પાકિસ્તાની વિમાનોએ પાકિસ્તાનની સરહદ નજીક ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં ઘરો પર બોમ્બમારો કર્યો હતો.
રાષ્ટ્રપતિ ઝરદારીએ આપી હતી જવાબી કાર્યવાહીની ચેતવણી
આ હુમલો શનિવારે પાકિસ્તાન ક્ષેત્રની અંદર એક હુમલામાં સાત પાકિસ્તાની સૈનિકોના માર્યા ગયા બાદ કરવામાં આવ્યો છે. તેના માટે દેશના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ જવાબી કાર્યવાહી કરવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનની સરહદો, ઘરો અને જરૂર પડવા પર દેશમાં પણ ઘૂસશે. દરેક આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવશે.
તાલિબાન સત્તામાં આવતા જ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો
તાલિબાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 2022માં પાકિસ્તાની લશ્કરી હેલિકોપ્ટરોએ સરહદના અફઘાન ક્ષેત્રઓ પર હુમલા કર્યા હતા જેમાં ઓછામાં ઓછા 47 લોકો માર્યા ગયા હતા. પક્તિકાના બરમાલ જિલ્લામાં ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો.