વધુ એક યુદ્ધ શરૂ! પાકિસ્તાનની એરસ્ટ્રાઇકમાં 46 લોકોના મોત, અફઘાનિસ્તાને કહ્યું- 'જવાબી કાર્યવાહી કરીશું'
Image Source: Twitter
Pakistan airstrike in Afghanistan: વિશ્વમાં વધુ એક યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. પાકિસ્તાને મંગળવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાની તાલિબાનના શંકાસ્પદ ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની સરહદે અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના પર્વતીય વિસ્તારોમાં આ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. આ એરસ્ટ્રાઇકમાં ઓછામાં ઓછા 46 લોકો માર્યા ગયા છે. તો બીજી તરફ હવે અફઘાનિસ્તાનની પણ પ્રતિક્રિયા આવી છે. અફઘાનિસ્તાને કહ્યું છે કે, 'માતૃભૂમિની રક્ષા માટે જવાબી કાર્યવાહી કરીશું.'
પાકિસ્તાની અધિકારીઓનો હવાલો આપતા એક ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, એરસ્ટ્રાઇકમાં પાકિસ્તાની તાલિબાન એટલે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નું ટ્રેનિંગ સેન્ટર તબાહ થઈ ગયુ છે. અધિકારીઓએ ઘણા આતંકવાદીઓના મોતનો દાવો કર્યો છે. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે પાકિસ્તાની વિમાનો અફઘાનિસ્તાનમાં કેટલા અંદર ગયા અને કેવી રીતે હુમલો કર્યો. આ વર્ષે બીજી વખત પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી છે.
જવાબી કાર્યવાહી કરીશું
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાનની એરસ્ટ્રાઇકની નિંદા કરી છે. કાબુલનો આરોપ છે કે એરસ્ટ્રાઇકમાં મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાને તેને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
અફઘાન સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. મંત્રાલયે લખ્યું છે કે, 'આવા એકપક્ષીય પગલાં કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી.' અફઘાનિસ્તાને એરસ્ટ્રાઈકનો જવાબ આપવાની વાત કરી છે. મંત્રાલયે લખ્યું કે, 'માતૃભૂમિની રક્ષા કરવી એ અમારો અધિકાર છે, અમે ચોક્કસપણે આ કાયરતાપૂર્ણ હુમલાનો જવાબ આપીશું.'
2022થી TTPએ પાકિસ્તાન પર હુમલા વઘાર્યા
પાકિસ્તાન સતત આરોપ લગાવી રહ્યું છે કે, પાકિસ્તાની તાલિબાન અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ તેના પર આતંકવાદી હુમલા કરવા માટે કરે છે. જો કે અફઘાનિસ્તાન પાકિસ્તાનના આ આરોપોને ફગાવી રહ્યું છે.
આ પણ વાંચો: બે શત્રુ થયા ભેગા, પાકિસ્તાની આર્મી બાંગ્લાદેશના સૈન્યને ટ્રેઇન કરશે, ભારતની ચિંતા વધી!
2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી સાથે પાકિસ્તાની તાલિબાન (TTP) મજબૂત બન્યું છે. TTPએ નવેમ્બર 2022માં એકપક્ષીય રીતે પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ સમાપ્ત કર્યો હતો. ત્યારબાદ તેણે પાકિસ્તાન પર હુમલા વધારી દીધા છે. છેલ્લા કેટલાક મહિનામાં TTPએ પાકિસ્તાનના ઘણા સૈનિકો અને પોલીસકર્મીઓની હત્યા કરી છે.
પાકિસ્તાન પહેલા પણ પાડોસી દેશો પર એરસ્ટ્રાઇક કરી ચૂક્યુ છે
પાકિસ્તાને 17 જાન્યુઆરીએ ઈરાનમાં એરસ્ટ્રાઇક કરી હતી. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, તેણે ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાનમાં BLAના ઘણા આતંકવાદીઓને ઠાર કર્યા છે. પાકિસ્તાન BLAને આતંકવાદી સંગઠન માને છે. જોકે, ઈરાને કહ્યું હતું કે, 'પાકિસ્તાનની એરસ્ટ્રાઇકમાં 9 નાગરિકો માર્યા ગયા હતા. જેમાં 4 બાળકો અને 3 મહિલાઓ સામેલ હતી.'