ડુરાન્ડ લાઇન વટાવી પાકિસ્તાનમાં ઘૂસ્યા અફઘાની લડાકુઓ, આમને-સામને હવે આરપારની લડાઈ શરુ
Pakistan And Afghanistan War: પાડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વણસી છે. અફઘાનિસ્તાનના તાલિબાની લડાકુઓ ડુરાન્ડ લાઇન ક્રોસ કરી પાકિસ્તાનમાં ઘૂસ્યા છે અને ભારે મશીનગન તથા આધુનિક હથિયારો વડે પાકિસ્તાનની ચોકીઓ પર અંધાધૂંધ હુમલો કરી રહ્યા છે.
બંને દેશો વચ્ચે હુમલા
અફઘાનિસ્તાનના પૂર્વ પક્તિકા પ્રાંતમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના કેમ્પ પર પાકિસ્તાનના હુમલા બાદ બંને દેશો વચ્ચે હુમલાઓનો દોર જારી છે. ગુલામ ખાન ક્રોસિંગ પર તાલિબાની લડાકુઓ સતત હુમલાઓ કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે, તાલિબાન બૉર્ડર પાસે તેમની ચોકીઓ પર ભારે અને અત્યાધુનિક હથિયારો વડે હુમલાઓ થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ તાલિબાનનું મહિલા વિરોધી મોટું ફરમાન, ઘર-ઈમારતમાં હવે બારીઓ બનાવવા પર પ્રતિબંધ
ડુરાન્ડ લાઇન પર હિંસક અથડામણ
ડુરાન્ડ લાઇન પર બંને દેશોની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે. તાલિબાને પાકિસ્તાની સેનાની બે ચોકીઓ પર કબજો કરી લીધો છે. ભારે હથિયારોની મદદથી તાલિબાની સૈનિકો ડુરાન્ડ લાઇન પર ઉપસ્થિત પાકિસ્તાની સેનાની અનેક ચોકીઓને નષ્ટ કરી દીધી છે. જેમાં પાકિસ્તાની સેનાના 19 સૈનિકો માર્યા ગયા છે. તાલિબાની લડાકુઓ ગોઝગઢી, માટા સાંગર, કોટ રાધા અને તરી મેંગલ વિસ્તારોમાં ઘૂસી અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે, અમે તાલિબાનોની ખુર્રમ અને ઉત્તરીય વઝીરિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.
તાલિબાનની રણનીતિ
અફઘાન તાલિબાન કોઈપણ મોટી સૈન્ય શક્તિ સામે ઝૂક્યું નથી. અમેરિકા અને રશિયા જેવી મહાશક્તિઓને તેણે વર્ષો સુધી પડકારી હતી. અંતે અફઘાનિસ્તાનમાંથી સેના હટાવી લેવા મજબૂર કર્યા હતા. પાકિસ્તાન પાસે કોઈ ખાસ સૈન્ય તાકાત કે આર્થિક ક્ષમતા નથી. જેથી તાલિબાનની સ્થિતિ પાકિસ્તાનમાં મજબૂત બની રહી છે. પાકિસ્તાનમાંથી જ ઉદ્ભવ થયેલા તાલિબાનો આજે પાકિસ્તાનના જ દુશ્મન બન્યા છે.