લગભગ 1 કરોડ પાકિસ્તાનીઓએ દેશ છોડ્યો, જાણો ક્યાં જઈને વસ્યાં, સરકારની વધી ગઇ ચિંતા
Image: FreePik |
Pakistanis Migrated To Other Countries: પાકિસ્તાનની આર્થિક પાયમાલી અને આકરા વલણના કારણે લગભગ એક કરોડ પાકિસ્તાનીઓ દેશમાંથી પલાયન કરી ગયા છે. આ લોકોને વધુ સારી તકોની શોધમાં પોતાનો દેશ છોડવાની ફરજ પડી હતી. મીડિયા અહેવાલમાં જારી માહિતી અનુસાર, 2013થી 2018 સુધીમાં, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના શાસન દરમિયાન સૌથી વધુ લોકોએ પાકિસ્તાન છોડ્યું હતું. કામદારો અને કુશળ કર્મચારીઓના પલાયનથી પાકિસ્તાન સરકારની ચિંતા વધી છે.
2015માં સૌથી વધુ લોકોએ પાકિસ્તાન છોડ્યું
રિપોર્ટ અનુસાર છેલ્લા 17 વર્ષમાં કુલ 95,56,507 લોકોએ પાકિસ્તાન છોડી દીધું છે. 2015માં સૌથી વધુ નવ લાખ લોકોએ પાકિસ્તાનમાંથી સ્થળાંતર કર્યું હતું. જોકે, 2018 સુધીમાં તેમાં 60 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ પહેલા વૉર્નિંગ પછી તાબડતોબ હુમલા.. ઈઝરાયલે હિઝબુલ્લાના 100થી વધુ ઠેકાણે કર્યો બોમ્બમારો
મહામારીના લીધે સ્થળાંતર વધ્યું
કોવિડ-19 મહામારી દરમિયાન 2022 અને 2023માં લગભગ આઠ લાખ લોકોએ દેશ છોડી દીધો હતો. સ્કીલ પ્રોફેશનલ્સમાં સ્થળાંતરનું પ્રમાણ પણ પાંચ ટકા વધ્યું છે. છેલ્લાં બે વર્ષમાં દેશ છોડીને જનારાઓમાં મોટાભાગના બ્લુ કોલર કામદારો અને કામદાર વર્ગ છે.
યુએઈમાં પાકિસ્તાની કામદારોની સંખ્યા ઘટી
મોટા ભાગના પાકિસ્તાનીઓ વધુ સારી તકોની શોધમાં સાઉદી અરેબિયા, યુએઈ, ઓમાન અને કતાર જાય છે. પરંતુ કોવિડ પછી આ વલણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. UAEમાં પાકિસ્તાની કામદારોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો હતો અને સાઉદી અરેબિયામાં નોંધપાત્ર વધારો થયો હતો. કોવિડ પછી, પાકિસ્તાની લોકો યુકે, ઇરાક અને રોમાનિયા તરફ સ્થળાંતર કરી રહ્યા છે.