બલૂચિસ્તાનમાં પાકિસ્તાનના સુરક્ષાદળોએ ચાર યુવકોને ગૂમ કર્યા, ફરી વિરોધ પ્રદર્શનો શરુ થવાના ભણકારા
image : Socialmedia
ઈસ્લામાબાદ,તા.26 માર્ચ 2024,મંગળવાર
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં લોકોનો અચાનક જ લાપતા થઈ જવાનો મુદ્દો ફરી ગરમાયો છે.
બલૂચિસ્તાનના ત્રણ અલગ અલગ જિલ્લાઓમાંથી સોમવારે ચાર બલૂચ યુવકો ગૂમ થયા હતા અને તેમાં બે સગા ભાઈઓનો પણ સમાવેશ થાય છે. બલૂચ રાષ્ટ્રીય આંદોલનની માનવાધિકાર માટે કામ કરતી પાંખનુ કહેવુ છે કે, પાકિસ્તાની સેનાએ આ ચાર યુવકોને ગાયબ કર્યા છે. દર બીજા દિવસે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે.
સોશિયલ મીડિયા પર આ સબંધમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાની સુરક્ષાદળો લોકોને ગૂમ કરીને માનવધિકારોનુ ઘોર ઉલ્લંઘન અને જે લોકો ગૂમ થયા છે તેમના પરિવારો સાથે અન્યાય કરી રહ્યા છે. આ કૃત્ય કરનારા લોકોની જવાબદારી નક્કી થવી જોઈએ. લાપતા લોકોની તપાસ થવી જોઈએ અને આ ચાર યુવકોની વાપસી માટે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
પાકિસ્તાનના અન્ય એક સામાજિક સંગઠન વોઈસ ફોર બલૂચ મિસિંગ પર્સન્સે પણ સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવતા કહ્યુ હતુ કે, લાપતા પૈકીના એક અમીર હમજાના પરિવાર દ્વારા એક વિરોધ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવશે.
આ પહેલા પણ બલૂચ મહિલાઓ બલૂચિસ્તાન પ્રાંતથી ઈસ્લામાબાદ સુધી એક રેલી કાઢીને ગૂમ થયેલા લોકોની ભાળ મેળવવા માટે દેખાવો કરી ચુકી છે. પાકિસ્તાનની સરકારને આ વિરોધ પ્રદર્શનને કાબૂમાં લેતા નાકે દમ આવી ગયો હતો પણ બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના સુધરવાનુ નામ નથી લઈ રહી.