અમેરિકામાં સુખી જીવન ઈચ્છતા લોકો માટે આંખ ઉઘાડતો અહેવાલ, અઢી લાખ ભારતીયો ગરીબી રેખા નીચે
Indian poverty in the US: અમેરિકામાં રહેતા 6 ટકા ભારતીય અમેરિકનો ગરીબી રેખા નીચે જીવે છે. આ વાત ભારતીયોને ગળે ઉતરે એવી નથી પરંતુ હમણાં જ અમેરિકાની પ્યુ રિસર્ચ સેન્ટર નામની સંસ્થાએ જાહેર કરેલા 2023ના આંકડા મુજબ અમેરિકામાં જીવતા ભારતીય ગરીબોની ટકાવારી જાહેર કરવામાં આવી હતી.
એમાંથી 14 ટકા તો એવા છે જે પોતાનો મેડિકલ ખર્ચ પણ કરી શકતા નથી. એશિયામાંથી બર્મી અમેરિકનની સ્થિતિ 19 ટકા સાથે સૌથી કફોડી છે. જ્યારે 13 ટકા પાકિસ્તાની અમેરિકન ગરીબીની રેખા નીચે જીવે છે. જ્યારે સૌથી ઓછા ક્રમે ભારતીય અને શ્રીલંકન અમેરિકન છે જેનું પ્રમાણ 6 ટકા છે.
અઢી લાખ ભારતીયો અમેરિકામાં ગરીબીની રેખા નીચે જીવે છે
મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં 42 લાખ ભારતીયો રહે છે જેમાંથી ગુજરાતીઓની સંખ્યા સાડા આઠ લાખ જેટલી છે. એ પ્રમાણે ઉપરોક્ત છ ટકાની વાત કરવામાં આવે તો અઢી લાખ ભારતીયો અમેરિકામાં ગરીબીની રેખા નીચે જીવે છે. જેમાં ગુજરાતીઓનું પ્રમાણ 50 હજાર છે.
બર્મા મૂળના અમેરિકન સૌથી વધુ ગરીબ
આમાંના મોટા ભાગના એ સર્વે દરમ્યાન જણાવ્યું હતું કે અમેરિકમાં આવવા માટે તેમણે જે આર્થિક સપનું જોયું હતું તે હવે સાવ ધૂંધળું થઈ ગયું છે. PEW Research Centre (2022-2023) દરમ્યાન 7006 જેટલા એશિયન જૂથ પર થયેલા આ સર્વેમાં બર્મા મૂળના અમેરિકન સૌથી વધુ ગરીબીની રેખા નીચે જીવે છે જ્યારે ભારતીય મૂળના અમેરિકનોની સંખ્યા સૌથી ઓછી એટલે કે 6 ટકા છે.
પ્રાથમિક ખર્ચ માટે પણ મુશ્કેલી પડે છે
ગરીબીની રેખા નજીક જીવતા હોય એવા 42 ટકા એશિયનોમાં શાળાની ફી ભરવાની મુશ્કેલીઓ વર્તાઈ રહી છે. જો કે કોલેજ કક્ષાનું ભણતર આ સમુદાયમાં ખાસ્સું ઓછું છે. અમેરિકામાં 33 ટકા ગરીબીની રેખા નીચે જીવે છે જ્યારે 38 ટકા ગરીબીની રેખાની નજીક છે તેવા લોકો પોતાના ફૂડ માટે આસપાસની સામાજિક સંસ્થાઓ પર આધાર રાખે છે, તેમને ભાડુ ભરવામાં, વીજળીના બિલ ભરવામાં, શિક્ષણ અને આરોગ્યનો ખર્ચ કરવામાં મુશ્કેલી પડે છે.
ધાર્મિક સંસ્થાઓ પાસેથી પણ મેળવે છે મદદ
આ સર્વેમાં અમેરિકામાં રહેતા એશિયનમાં 60 ટકા લોકો પોતાના મિત્ર વર્તુળો અને સગાઓ પાસેથી વીજળીના બિલ માટે, ઘરના નિભાવ માટે, નોકરી માટે મદદ લે છે. જ્યારે 21 ટકા એશિયન એવા છે જે ધાર્મિક સંસ્થાઓમાંથી મદદ મેળવે છે જેના માટે અહીંના મંદિરો અને ચર્ચ એક મોટા પાયે સેવા કરે છે. અમેરિકા સ્થિત મંદિરો સાથે સંકળાઈને અનેક ગુજરાતી યુવાનો સેટલ થવાની મદદ મેળવી રહ્યા છે. જે આમાં સમાવિષ્ટ છે.
એશિયન કોમ્યુનિટી ગ્રૂપ પણ કરે છે સહાય
જ્યારે 13 ટકા એવા છે જે એશિયન કોમ્યુનિટી ગ્રૂપ દ્વારા સહાય મેળવે છે. એશિયામાં માઈગ્રેટ થયેલા ત્રીજા ભાગે આવનારા લોકો પોતાના દેશમાંથી પ્રતાડિત થયેલા છે. જો કે આમાં ઘણાં નકલી હોવાનું પણ મનાય છે. આ આખા સર્વેમાં એવું જણાવવામાં આવ્યું છે કે અમેરિકામાં માઈગ્રેટ થયેલા કુલ માઈગ્રેન્ટસમાંથી ગરીબીની રેખા નીચે જીવતા કુલ લોકોમાંથી અડધો અડધ એવું માને છે કે તેમનું અમેરિકા સ્થળાંતર કરવું નકામું રહ્યું છે. તેમને તેમનો ધ્યેય ધૂંધળો અથવા તો દૂર દેખાય છે. સામે 15 ટકા ગરીબીની રેખાથી ઉપર જીવતા લોકો એવું પણ માને છે કે તેમનું અમેરિકા આવવું સફળ રહ્યું છે.
કુલ માઈગ્રેન્ટના 46 ટકા લોકો પોતાના ધ્યેયને પ્રાપ્ત કરી શક્યા છે. જ્યારે 27 ટકા લોકોએ પોતાનો આર્થિક ધ્યેય પ્રાપ્ત કરી લીધો છે જ્યારે કુલ 29 ટકા એશિયનોને તેમનું ભાવિ જીવન નિર્વાહ માટે અમેરિકામાં પણ ધૂંધળું દેખાય છે.
આ અંગે વાત કરતાં જયેશભાઈ શાહ જણાવે છે કે છેલ્લાં બે વર્ષમાં અમેરિકામાં ભાવ વધારો ડ્રામેટિકલી વધ્યો છે. જેના કારણે 400 ડોલરમાં પણ ઘર ચલાવવું મુશ્કેલ છે. જે લોકો સિટિઝન છે તેમને 200 ડોલર વધારાના ચૂકવવામાં આવે છે. એક રીતે જોઈએ તો હવે ભણેલા ગણેલા લોકો માટે અમેરિકા જવું વિશેષ લાભદાયી છે.