હોલીવૂડમાં હાહાકાર : વોર્નર બ્રધર્સ, ડિઝની સ્ટુડિયો, સ્ટાર્સના બંગલા ખાખ
- ઓસ્કર નોમિનેશન્સ, ધ ક્રિટિકસ ચોઇસ એવોર્ડ મુલત્વી
- પેરિસ હિલ્ટન, મેન્ડી મૂરના ઘરો સળગી ગયાં જ્યારે સ્ટિવન સ્પિલબર્ગ અને ટોમ હેન્કસ બંગલા છોડી રવાના
લોસ એન્જેલસ : હોલીવૂડના સુપર સ્ટાર્સ જે ઇલાકામાં રહે છે તે માલીબુ અને સાન્ટા મોનિકાની વચ્ચે આવેલાં પેસિફિક પાલિસાડેસના ૧૨૦૦૦ એકર ઇલાકામાં વિનાશક આગ ફેલાઇ જતાં હોલીવૂડના ઘણાં સ્ટાર્સના ઘરો બળી ગયા હતા. તો ઘણાંએ તેમના બંગલા છોડી અન્યત્ર આશ્રય લેવાની ફરજ પડી હતી. બીજી તરફ હોલીવૂડની એવોર્ડ સિઝન પણ આ આગને કારણે ખોરવાઇ ગઇ હતી. ધ ક્રિટિક્સ ચોઇસ એવોર્ડને હવે ૨૬ ફેબુ્રઆરી સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. ઓસ્કર એવોર્ડ માટેના નોમિનેશન્સને પણ ૧૯ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યા છે, જેથી આગમાં અસર પામેલાં સભ્યો પણ મત આપી શકે.મોટાભાગના સ્ટાર્સે તેમના વિડિયો ઇન્સ્ટા પર અથવા એકસ પર શેર કરી તેમની હાલત જણાવી હતી.
પેરિસ હિલ્ટને પોતાનું ઘર બળી જવાની વ્યથા એક લાંબી પોસ્ટમાં ઠાલવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે માલીબુનું મારું ઘર બળીને ખાક થતું હું લાઇવ ટીવી પર મારા પરિવાર સાથે જોઇ રહી છું. કોઇને આવો અનુભવ ન થાય તેની મારી ભાવના છે. આ ઘર સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે. મારો પરિવાર અને મારાં પાળેલાં જનાવરો સલામત છે. ઘણાં આજ ે જાગશે ત્યારે તેમનું ઘર ગુમાવી ચૂક્યા હશે જે હ્ય્દય ભાંગી નાંખે તેવી હકીકત છે. પેરિસે એક્સ પર વિડિયો મુક્યો હતો જેમાં તેનો પરિવાર સહીસલામત નીકળી રહ્યો હોવાનું જણાય છે.
અભિનેતા જામી લી કર્ટિસે બળી રહેલાં ચર્ચના ફોટા મુકી તેની સાથે જોડાયેલી તેની યાદો વર્ણવી હતી. પાલિસાડેસમાં ચર્ચ અને વૂમન્સ કલબ હવે રહ્યા નથી. મુશ્કેલ સમયમાં અમે ભગવાની કૃપાથી ટકી રહીશું.
મેન્ડી મૂરે આલ્ટાડેનામાં આવેલાં તેના ઘરને ગુમાવ્યા બાદ ઇન્સ્ટા પર જણાવ્યું હતું કે મને જબરદસ્ત આઘાત લાગ્યો છે. મારા સંતાનોની સ્કૂલ પણ બળી ગઇ છે. મારા મિત્રો અને ઘણાં સગાંઓ બધું ગુમાવી ચૂક્યા છે. મધરાતે તેને અને તેના પરિવારને આશ્રય આપનારાં મિત્રોનો પણ તેણે આભાર માન્યો હતો.
આ વિસ્તારમાં જ અન્ય ફિલ્મ સ્ટાર્સ એડમ સેન્ડલર, બેન અફલેક, ટોમ હેન્કસ અને સ્ટિવન સ્પિલબર્ગ પણ રહેતાં હતા. બેન અફેલકે આગને પ્રસરતી જોઇ તેની પહેલી પત્ની જેનિફર ગાર્નરના ઘરે જતો રહ્યો હતો. ટોમ હેન્કસે પણ ઇન્સ્ટા પર આગના ફેલાવાનો નકશો મુકી જણાવ્યું હતું કે મારે પણ મારું ઘર ખાલી પડયુ છે. કોમેડિયન બિલિ ક્રિસ્ટલનું પણ ૪૫ વર્ષ જુનું ઘર આગમાં બળી ગયું હતું. બિલિ ૧૯૭૯થી તેની પત્ની સાથે આ જ ઘરમાં રહેતો હતો. સ્ટિવન સ્પિલબર્ગે પણ આગ પ્રસરતા ઘર છોડી રવાના થવું પડયું હતું. ગાયિકા મિલી સાયરસે પણ આગની ભયાનકતા જોઇ પોતાનું ઘર ખાલી કરી દીધું હતું.
પ્રિયંકા ચોપરાએ આગની તસવીરો મુકી, નોરા હોટલમાં ફસાઈ
હોલીવૂડના ફિલ્મ સ્ટાર્સ ઉપરાંત આ ઇલાકામાં બોલીવૂડના ઘણાં ફિલ્મ સ્ટાર્સ પણ ઘરો ધરાવે છે. તેમાંથી ઘણાંના ઘરો નાશ પામ્યા હતા. તો નોરા ફતેહી એ તેની હોટલમાંથી આગની તસવીરો સોશ્યલ મિડિયા પર મુકી હતી. નોરાએ જણાવ્યુ ંહતુ ંકે તે હોટલમા ંકેદ થઈ ગઈ છે.
૨૦૧૮માં ગાયક નિક જોનાસ સાથે લોસ એન્જેલસમાં વસી ગયેલી પ્રિયંકાએ વિડિયો મુકી આખી રાત ફાયર બ્રિગેડ દ્વારા ચાલેલી આગ બૂઝાવવાની કામગીરીની વિગતો આપી હતી. પ્રિટી ઝિન્ટા પણ ૨૦૧૬માં જીન ગુડઇનફ સાથે લગ્ન કરી લોસ એન્જેલસમાં સ્થાયી થઇ ગઇ છે.