વાવાઝોડાનું તાંડવ, દક્ષિણ-પશ્ચિમ એશિયામાં 500થી વધુનાં મોત, ભારતે મ્યાનમારને મદદ મોકલી
Cyclone Yagi in Myanmar: ગયા અઠવાડિયે મ્યાનમારમાં આવેલા યાગી નામના વાવાઝોડા એ તબાહી મચાવી છે. વાવાઝોડાના કારણે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન થયું હતું, જેમાં ઓછામાં ઓછા 226 લોકોના મોત થયા છે. જયારે 77 લોકો ગુમ થયાના અહેવાલ છે. સરકારી મીડિયાએ મંગળવારે આ અંગેની માહિતી આપી છે. સરકારી એજન્સી દ્વારા નોંધાયેલા મૃત્યુની સંખ્યા શુક્રવારે નોંધાયેલા પ્રારંભિક આંકડા કરતાં લગભગ સાત ગણી છે. આથી એવી આશંકા છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. મ્યાનમારના લેટેસ્ટ મૃત્યુઆંક સાથે જ યાગી વાવાઝોડાને કારણે દક્ષિણ-પશ્ચિમ એશિયાના દેશોમાં કુલ મૃત્યુઆંક 500 ને વટાવી ગયો છે.
વાવાઝોડાથી છ લાખથી વધુ લોકો પ્રભાવિત
પૂરના કારણે છ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. જેના કારણે મ્યાનમારમાં સંદેશાવ્યવહાર ખોરવાયું છે. આથી જાનહાનિની સંખ્યા નક્કી કરવાનું કામ ધીમું થઈ રહ્યું છે. ASEAN માનવતાવાદી સહાયતા સંકલન કેન્દ્ર અનુસાર, યાગી વાવાઝોડાની અસર વિયેતનામ, ઉત્તરી થાઇલેન્ડ અને લાઓસને થઈ હતી. વિયેતનામમાં લગભગ 300, થાઈલેન્ડમાં 42 અને લાઓસમાં ચાર લોકોના મોત થયા છે.
આ પણ વાંચો: હિઝબુલ્લાહની ધમકી, ઈઝરાયલ સજા ભોગવવા તૈયાર રહે, ફરી એકવાર મધ્યપૂર્વના દેશોમાં તંગદિલી
પૂરથી પ્રભાવિત મ્યાનમારની મદદ માટે આગળ આવ્યું ભારત
આ દરમિયાન ભારત પૂરથી પ્રભાવિત મ્યાનમારની મદદ માટે આગળ આવ્યું છે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતીય નૌકાદળના જહાજ INS સતપુડા દ્વારા 10 ટન રાશન, કપડાં અને દવાઓ સહિતની સહાય મ્યાનમારને મોકલવામાં આવી છે. ભારતીય વાયુસેનાના C-17 લશ્કરી પરિવહન વિમાને લાઓસ માટે 10 ટન રાહત સામગ્રી એરલિફ્ટ કરી છે, જ્યારે 35 ટન સહાય વિયેતનામ મોકલવામાં આવી છે.