ખૂંખાર આતંકી લાદેનનો દીકરો જીવે છે! અલ કાયદાને ફરી કરી રહ્યો છે સંગઠિત, દુનિયા માટે ચિંતા
Hamza bin Laden : આતંકવાદી સંગઠન અલ કાયદાનો ભૂતપૂર્વ વડો ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન જીવિત છે, અને આતંકવાદી સંગઠનનું નેતૃત્વ કરી રહ્યો છે. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, હમઝા તેના ભાઈ અબ્દુલ્લા બિન લાદેન સાથે મળીને અફઘાનિસ્તાનમાં ગુપ્ત રીતે અલ કાયદાના ઓપરેશન ચલાવી રહ્યો છે.
'આતંકનો રાજકુમાર'
તાલિબાન વિરોધી સૈન્ય ગઠબંધન નેશનલ મોબિલાઇઝેશન ફ્રન્ટ (NMF)એ હમઝા અને તેના સહયોગીઓની કામગીરીની વિગતો આપતો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આઉટલેટે તેને 'આતંકનો રાજકુમાર' તરીકે ઓળખાવ્યો હતો. હાલમાં હમઝા ઉત્તર અફઘાનિસ્તાનમાં 450 સ્નાઈપર્સની સતત સુરક્ષા હેઠળ છુપાયેલો છે.
ફરીથી અલ કાયદા સંગઠિત થઈ રહ્યું છે હમઝાના નેતૃત્વમાં
એનેફએએ પોતાના રીપોર્ટમાં ચેતવણી આપી હતી કે, '2021માં કાબુલ પર તાલીબાને કબજો મેળવ્યા બાદ અફઘાનિસ્તાન વિવિધ આતંકવાદી સંગઠનો માટે તાલીમ કેન્દ્ર બની ગયું છે. અને હમઝા બિન લાદેનને દારા અબ્દુલ્લા ખેલ જિલ્લામાં(પંજશીરમાં) લઈ જવામાં આવ્યો છે, જ્યાં 450 આરબ અને પાકિસ્તાની લડવૈયાઓ તેની સુરક્ષા કરી રહ્યા છે, વરિષ્ઠ તાલિબાની નેતાઓ નિયમિતપણે હમઝાને મળે છે, અને તેની અને તેના પરિવારને સુરક્ષા પણ આપી રહ્યા છે. તેના આદેશ હેઠળ અલ કાયદા ફરીથી સંગઠિત થઈ રહ્યું છે, અને ભવિષ્યમાં પશ્ચિમી દેશો પર હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે.'
શું અમેરિકાએ હમઝાને માર્યો હતો?
રિપોર્ટમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા એક હુમલામાં હમઝા માર્યો ગયો હતો, તે વાતનું ખંડન કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે હમઝાએ અલ-કાયદાનો ભૂતપૂર્વ વડો અયમાન અલ-ઝવાહિરી સાથે મળીને કામ કર્યું હતું, જેણે ઓસામાની હત્યા બાદ અલ કાયદાની કામગીરી સંભાળી હતી. અમેરિકા અને અન્ય દેશો પર હુમલો કરવાની ચેતવણી આપતો હમઝાનો ઓડિયો અને વિડિયો સંદેશ બહાર આવ્યા બાદ હમઝાના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. એક અહેવાલ અનુસાર, મૃત્યુનું સ્થળ અને તારીખ હજુ સુધી સ્પષ્ટ કરાયું નથી. પેન્ટાગોને પણ આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી. હમઝા બિન લાદેનને અમેરિકાએ સત્તાવાર રીતે વૈશ્વિક આતંકવાદી જાહેર કરયો છે.
આ પણ વાંચોઃ બંગાળની ‘આઝાદી’ માટે પાકિસ્તાન-ચીન મદદ કરે, બાંગ્લાદેશના આતંકીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
અફઘાનિસ્તાન બની રહ્યું છે 'આતંકવાદીઓ માટેનું હોટ સ્પોટ'
એવું માનવામાં આવે છે કે અફઘાનિસ્તાનમાં હાલમાં 21 જેટલા આતંકવાદી નેટવર્ક કાર્યરત છે. જે દેશને વિશ્વનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ 'આતંકવાદીઓ માટેનું હોટ સ્પોટ' બનાવે છે. તાજેતરના એક ગુપ્તચર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ એકબીજા સાથે સહયોગ કરી રહ્યા છે. જે પશ્ચિમના દેશો પર ફરીથી 9/11 જેવો હુમલો કરી શકે છે, તેની સંભાવના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
અમેરિકાએ ઠાર કર્યો હતો ઓસામા બિન લાદેનને
હમઝાનો પિતા ઓસામા બિન લાદેનને 2011માં પાકિસ્તાનના એબોટાબાદમાં એક કમ્પાઉન્ડમાં યુએસ સ્પેશિયલ ફોર્સે ઠાર કર્યો હતો. ઓસામાએ જ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકા પરના હુમલાઓ કરવાની મંજૂરી આપી હતી. જેમાં લગભગ 3,000 લોકો માર્યા ગયા હતા.