Get The App

માલદિવ્સમાં પ્રમુખ મુઈઝ્ઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની વિપક્ષની દરખાસ્ત

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
માલદિવ્સમાં પ્રમુખ મુઈઝ્ઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની વિપક્ષની દરખાસ્ત 1 - image


- પીએમ મોદીનો વિરોધ ભારે પડયો : માલદિવ્સમાં ત્રણ મંત્રી પછી હવે પ્રમુખની ખુરશી જોખમમાં

- ડેમોક્રેટ પાર્ટીના નેતા પૂર્વ પ્રમુખ નશીદે અવિશ્વાસ પ્રસ્તાવ માટે ભારત તરફી મનાતા એમડીપી પક્ષનો સહયોગ માગ્યો

- 'ભારત આપણા માટે મુશ્કેલી સમયે કરાતા 911ના કોલ સમાન' : માલદીવનાં પૂર્વ સંરક્ષણ મંત્રી

માલે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વિપ પ્રવાસે માલદિવ્સની નવી સરકાર માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. પીએમ મોદીએ ભારતીયોને લક્ષદ્વિપની મુલાકાત લેવા વિનંતી કર્યા પછી માલદિવ્સના ત્રણ મંત્રીઓએ વડાપ્રધાન મોદી અને ભારતનું અપમાન કરતાં નિવેદનો કર્યા હતા, જેના પગલે શરૂ થયેલો વિવાદ ત્રણ મંત્રીઓની હકાલપટ્ટી પછી પણ શાંત નથી થઈ રહ્યો. ભારતીયોએ બોયકોટ માલદિવ્સ અભિયાન ચલાવ્યા પછી ભારતીય વેપારીઓએ પણ માલદિવ્સનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યાના અહેવાલો વચ્ચે હવે પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુની ખુરશી પણ જોખમમાં મુકાઈ ગઈ છે. માલદિવ્સમાં સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા પ્રમુખ મુઈઝ્ઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત લાવવા વિપક્ષ તૈયારી કરી રહ્યો છે.

માલદિવ્સમાં શાસક પક્ષના નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કરવાનું ભારે પડયું છે. ભારત અને પીએમ મોદીના અપમાન બદલ ભારતીયોએ 'બોયકોટ માલદિવ્સ' અભિયાન શરૂ કરતાં હતપ્રભ બની ગયેલી માલદિવ્સ સરકારે તાત્કાલિક અસરથી ત્રણ મંત્રીઓની હકાલપટ્ટી કરી હતી. પરંતુ હવે માલદિવ્સની નવી સરકાર પર જ જોખમ સર્જાયું છે. 'બોયકોટ માલદિવ્સ'ના અભિયાન વચ્ચે હવે માલદિવ્સમાં વિપક્ષના નેતાઓ તેમના નવા પ્રમુખ મોહમ્મદ મોઈઝ્ઝુ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની માગ કરી રહ્યા છે.

હકીકતમાં હિન્દ મહાસાગરથી લઈને લાલ સમુદ્રમાં વિશ્વના સૌથી વ્યસ્ત વ્યાપારિક સમુદ્રી માર્ગમાં મહત્વનું સ્થાન ધરાવતા માલદિવ્સમાં પીપલ્સ નેશનલ કોંગ્રેસના નેતા મોહમ્મદ મુઈઝ્ઝુ ભારત વિરોધી અભિયાન ચલાવીને નવેમ્બર ૨૦૨૩માં જ પ્રમુખ બન્યા હતા. દક્ષિણ એશિયામાં ભારતના પડોશી દેશ માલદિવ્સમાં ચીન તરફી વલણ ધરાવતા મોઈઝ્ઝુએ પ્રમુખ બનતા જ ભારતને આંખ બતાવવાનું શરૂ કરી દીધું હતું. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વિપ ટાપુઓનો પ્રવાસ કરતા ભારતીયોને લક્ષદ્વિપની મુલાકાત લેવા અપીલ કરી હતી. પીએમ મોદીની આ અપીલને શાસક પક્ષના નેતાઓએ માલદિવ્સ વિરોધી ગણીને ભારત અને પીએમ મોદીનું અપમાન કરતી ટીપ્પણીઓ કરી હતી. આથી ભડકેલા ભારતીયોએ 'બોયકોટ માલદિવ્સ' અભિયાન શરૂ કર્યું હતું અને માત્ર ત્રણ જ દિવસમાં હજારો હોટેલ બૂકિંગ અને ફ્લાઈટ્સ રદ કરી દીધા હતા. ભારતના આ પ્રત્યાઘાતથી હતપ્રભ થયેલી સરકારે તાત્કાલિક અસરથી ભારત અને પીએમ મોદીનું અપમાન કરનારા ત્રણ મંત્રીઓની હકાલપટ્ટી કરી હતી. જોકે, હવે વિપક્ષ પ્રમુખ મોઈઝ્ઝુ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે.

ધ ડેમોક્રેટ પાર્ટીના સાંસદ અને પૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદે 'એક્સ' પર લખ્યું, અમે ધ ડેમોક્રેટ દેશની વિદેશ નીતિની સ્થિરતા જાળવી રાખવા અને કોઈપણ પડોશી દેશને અલગ-થલગ કરવાથી રોકવા માટે સમર્પિત છીએ. શું તમે પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુને સત્તા પરથી હટાવવા માટે બધા જરૂરી પગલાં લેવા માટે તૈયાર છો? શું માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી) અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા તૈયાર છે? એમડીપીના પૂર્વ પ્રમુખ ઈબ્રાહિમ સોલિહ ભારત તરફી હોવાનું મનાય છે.

દરમિયાન માલદીવનાં પૂર્વ સંરક્ષણ મંત્રી મારીયા અહમદ દીદીનું કહેવું છે કે તે વર્તમાન સરકારમાં દૂરદર્શિતાનો અભાવ જોવા મળે છે. આપણો દેશ ઘણો નાનો છ. પરંતુ આપણી સંરક્ષણ સંબંધી ચિંતાઓ સમાન છે. આપણે બંને લોકતંત્ર અને માનવ અધિકારો અંગે સમાન વિચારધારા રાખીએ છીએ. તેટલું જ નહીં પરંતુ ભારત સંરક્ષણ ક્ષેત્રે ક્ષમતા નિર્માણ અને ઉપકરણોમાં પ્રદાન કરે છે અને આપણને વધુ સક્ષમ બનાવવા પ્રયત્નો કરે છે. ભારત સાથે આપણા સૈકાઓ જૂના સંબંધો છે. ભારત હંમેશા આપણા માટે આપત્તી સમયે કરવામાં આવતા કોલ ૯૧૧ સમાન છે. આપણે જ્યારે પણ કોલ કરતીએ ત્યારે ભારત આપણી મદદે હાજર રહ્યું છે.

બીજીબાજુ માલદિવ્સની ટોચની પ્રવાસન સંસ્થાએ ભારત અને પીએમ મોદીના અપમાન બદલ તેમના જ મંત્રીઓની આકરી ટીકા કરી છે. માલદિવ્સ એસોસિએશન ઓફ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી (એમએટીઆઈ)એ જમાવ્યું કે, સંસ્થા ભારતના વડાપ્રધાન તેમજ ભારતના લોકોનું અપમાન કરતા નિવેદનો બદલ માલદિવ્સના કેટલાક નાયબ મંત્રીઓની આકરી ટીકા કરે છે. ભારત માલદિવ્સના પ્રવાસન ઉદ્યોગમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. કોરોના મહામારી પછી ભારતે જ અમને સૌથી વધુ મદદ કરી છે.

ભારત સાથે સંબંધો કથળતા માલદિવ્સ ચીનના શરણે

માલદિવ્સના પ્રમુખ મોઈઝ્ઝુની ચીનને પ્રવાસીઓ મોકલવા આજીજી

- મોઈઝ્ઝુએ પ્રમુખ બન્યા પછી સૌથી પહેલા ભારત મુલાકાતની પરંપરા તોડી, આ મહિને પ્રવાસની દરખાસ્ત

ભારત અને માલદિવ્સ વચ્ચે વિવાદ વકરી રહ્યો છે. આવા સમયે પ્રમુખ બન્યા પછી સૌથી પહેલા ભારતનો પ્રવાસ કરવાની પરંપરા તોડતા માલદિવ્સના પ્રમુખ મોહમ્મદ મોઈઝ્ઝુ ચીનના એક સપ્તાહના પ્રવાસે દક્ષિણ ચીન પોર્ટ શહેરમાં પહોંચ્યા છે. ભારતના બોયકોટ માલદિવ્સ અભિયાનના પગલે મોઈઝ્ઝુએ ચીનને માલદિવ્સમાં વધુ પ્રવાસીઓ મોકલવા વિનંતી કરી છે.

માલદિવ્સના પ્રમુખ મોહમ્મદ મોઈઝ્ઝુ અને તેમનું પ્રતિનિધિમંડળ હાલ ચીનના એક સપ્તાહના પ્રવાસે છે. આ પ્રવાસમાં તેઓ ચીનના પ્રમુખ શી જિનપિંગ અને વડાપ્રધાન લી કિયાંગને મળશે. બંને દેશો ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને પ્રવાસન ક્ષેત્રોમાં સમજૂતી કરશે. 'ઈન્ડિયા આઉટ' અભિયાન પછી નવેમ્બર ૨૦૨૩માં પ્રમુખ બનેલા મોહમ્મદ મોઈઝ્ઝુએ દક્ષિણ ચીન પોર્ટ શહેર ફુજિઅન પ્રાંતમાં 'ઈન્વેસ્ટ માલદિવ્સ' ફોરમમાં ચીનના રોકાણકારો સાથે વાટાઘાટો કરી હતી. આ સાથે પ્રમુખ મોઈઝ્ઝુ અને તેમના પ્રતિનિધિમંડળે ચીનને તેના પ્રવાસીઓને માલદિવ્સ મોકલવા વિનંતી કરી હતી. વધુમાં મોઈઝ્ઝુએ ચીનને તેમનો સૌથી નજીકનો સાથી અને ભાગીદાર દેશ ગણાવ્યો હતો.

ભારત સાથે વિવાદ વચ્ચે હવે માલદિવ્સના પ્રમુખ મોઈઝ્ઝુ આ મહિનામાં જ ભારતનો પ્રવાસ કરે તેવી સંભાવના છે. માલદિવ્સ સરકારે જાન્યુઆરીમાં જ પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુના ભારત પ્રવાસની દરખાસ્ત કરી છે. મોહમ્મદ મુઈઝ્ઝુ નવેમ્બર ૨૦૨૧માં પ્રમુખ બન્યા પછી તૂર્કી, સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ કરી ચૂક્યા છે અને હવે ચીનના પ્રવાસે છે. જોકે, તેમણે માલદિવ્સના પૂર્વ પ્રમુખોની સૌથી પહેલા ભારત પ્રવાસ કરવાની પરંપરા તોડી છે. બીજીબાજુ નવી સરકારના મંત્રીઓ તરફથી દાવો કરાયો છે કે મુઈઝ્ઝુ સરકારનો આ પ્રવાસ નવેમ્બરમાં જ પ્રસ્તાવિત કરાયો હતો. તેને વર્તમાન વિવાદ સાથે કોઈ લેવા દેવા નથી. બીજીબાજુ કેટલાક સૂત્રોનું કહેવું છે કે માલદિવ્સ તરફથી અગાઉ મુલાકાત માટે માત્ર મૌખિક વાત કરાઈ હતી.

અરબ સાગર પર નજર રાખવા યુદ્ધ વિમાનો તૈનાત કરાશે

લક્ષદ્વિપના મિનિકૉય ટાપુ પર નવું એરપોર્ટ બનાવવામાં આવશે

- નવું એરપોર્ટ કમર્શિયલ વિમાનોની સાથે એરફોર્સના ફાઈટર જેટના પરીવહન માટે પણ સક્ષમ હશે

માલદીવ સાથે સંબંધો વણસ્યા પછી ભારતે હવે લક્ષદ્વિપને વિકસાવવા માટે વિસ્તૃત યોજના બનાવી છે. સરકાર મિનીકૉય ટાપુ સમૂહ ઉપર નવું એરપોર્ટ બનાવશે. આ એરપોર્ટ કમર્શિયલ વિમાનો ઉપરાંત ફાઈટર જેટ્સના સંચાલન માટે પણ સક્ષમ હશે.

હિન્દ મહાસાગર અને અરબ સાગરના વ્યાપારિક સમુદ્ર માર્ગમાં માલદિવ્સની જેમ લક્ષદ્વિપના ટાપુઓનું પણ વિશેષ મહત્વ છે. અત્યાર સુધી સરકાર વૈશ્વિક વ્યાપારિક માર્ગ પર નજર રાખવા માટે માલદિવ્સ પર નિર્ભર હતું. પરંતુ હવે ભારતે લક્ષદ્વિપના ટાપુઓ પર એરપોર્ટ બનાવવાની તૈયારી કરી છે. આ એરફીલ્ડ કોમર્શિયલ વિમાનો ઉપરાંત ફાઈટર જેટ્સ અને મિલિટરી એરક્રાફટસ પણ ઓપરેટ કરવા માટે સક્ષમ હશે. સેનાકીય દ્રષ્ટિએ પણ તેનું મહત્ત્વ ઘણું છે. તેથી અરબી સમુદ્ર ઉપર નજર રાખવી વધુ સરળ બનશે, તેમજ હિન્દ મહાસાગર ઉપર પણ નજર રાખવી સરળ બનશે. 

પીએમ મોદીના લક્ષદ્વિપના પ્રવાસ અને માલદિવ્સનો બહિષ્કાર કરવાના અભિયાન પછી દક્ષિણ ભારતમાં આવેલા ટાપુઓ તરફ ભારતીય પ્રવાસીઓ આકર્ષાયા છે. ભારતીય તટરક્ષક દળે જ સૌથી પહેલાં લક્ષદ્વિપ અને મિનિકૉય સમૂહને વિકસાવવાની યોજના રજૂ કરી હતી. આ રીતે ભારત એક તરફ અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગર ઉપર નજર રાખી રહેશે તો બીજી તરફ લક્ષદ્વીપને પર્યટન સ્થળ તરીકે પણ વિકસાવી તે કેન્દ્ર શાસિત પ્રદેશનાં અર્થતંત્રને પણ પુષ્ટિ આપશે.


Google NewsGoogle News