હૈતીમાં ફસાયેલા ભારતીયોની મુક્તિ માટે 'ઓપરેશન ઈન્દ્રાવતી' શરૂ, એસ. જયશંકરે શેર કરી તસવીર
Image Source: Twitter
પોર્ટ ઓ પ્રિન્સ, તા. 22 માર્ચ 2024 શુક્રવાર
હૈતીથી ભારતીય નાગરિકોની વાપસી માટે ભારતે ઓપરેશન ઈન્દ્રાવતી શરૂ કર્યુ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ જાણકારી આપી છે. જયશંકરે કહ્યુ કે વિદેશોમાં રહેતા ભારતીયોની સુરક્ષા અને ભલાઈ માટે આપણી સરકાર પૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યુ કે હૈતીથી ભારતીય નાગરિકોને બહાર કાઢીને ડોમિનિકન ગણરાજ્ય મોકલવામાં આવશે. તાજેતરમાં જ ભારત સરકારે કહ્યુ હતુ કે હૈતીમાં વણસેલી પરિસ્થિતિથી ચિંતિત છીએ. અમે હૈતીથી 90 ભારતીયોને બહાર કાઢવા પર વિચાર કરી રહ્યા છીએ.
જયશંકરે ટ્વીટ કરી ફોટો શેર કર્યો
જયશંકરે એક્સ પર પોસ્ટ કરતા કહ્યુ કે ભારતે હૈતીથી આજે 12 ભારતીયોને બહાર કાઢ્યા છે. અમે નાગરિકોની સુરક્ષા અને ભલાણી માટે સંપૂર્ણરીતે પ્રતિબદ્ધ છીએ. આ સાથે તેમણે ડોમિનિકન ગણરાજ્ય સરકારનો પણ આભાર માન્યો છે. પોસ્ટની સાથે-સાથે જયશંકરે એક્સ પર એક તસવીર પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે હૈતીમાં ભારતનું કોઈ દૂતાવાસ નથી. ત્યાંની પરિસ્થિતિ પર ડોમિનિકનની રાજધાની સેંટો ડોમિંગોમાં સ્થિત ભારતીય મિશન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
વડાપ્રધાન રાજીનામુ આપી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે હિંસા અને લૂંટના કારણે હૈતીના વડાપ્રધાન એરિયલ હેનરીએ તાજેતરમાં જ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. રાજીનામુ આપ્યા બાદ તેમણે દેશમાં શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી.
હૈતીમાં હિંસા ચાલુ છે
કેરેબિયન દેશ હૈતીમાં ગૃહ યુદ્ધથી પરિસ્થિતિ સતત બગડતી જઈ રહી છે. દેશમાં ફેલાયેલી હિંસાના કારણે 3,62,000 હૈતી વાસીઓને વિસ્થાપિત થવુ પડ્યુ. સશસ્ત્ર ગેંગ દેશની રાજધાની પર કબ્જો કરી ચૂકી છે. તેઓ રાષ્ટ્રપતિ ભવન સહિત ઘણી સરકારી ઈમારતોને નિશાન બનાવી રહ્યા છે. રસ્તા પર ગોળીઓ ચાલી રહી છે. સશસ્ત્ર ગેંગ દુકાનો અને ઘરમાં તોડફોડ કરી રહી છે. જે બાદ હૈતીમાં 72 કલાક માટે ઈમરજન્સી લગાવી દેવાઈ છે.