ભારતનો એક વધુ દુશ્મન પાકિસ્તાનમાં માર્યો ગયો, લશ્કર એ તૈય્યબાનો અકરમ ગાઝી ઠાર મરાયો
- પાક.ની નાપાક એજન્સી ISI ને એક વધુ ફટકો
- વિદેશોમાં વસતા ભારતના એક પછી એક દુશ્મનોનો ખાત્મો, કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓ નિજ્જર અને સુખ્ખા બંને ઠાર મરાયા
નવી દિલ્હી : ભારતનો એક વધુ દુશ્મન લશ્કર એ તૈય્યબાનો અકરમ ગાઝીની ગુરૂવારે ખૈબર પુખ્તુનવા જિલ્લા સ્થિત બાજૌરમાં અજ્ઞાન હુમલાખોરોએ ગોળીમારી હત્યા કરી હતી. હુમલા પાછળ અંગત વેર ઝેર હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વે કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર અને સુખદલસિંહ ઉર્ફે સુખ્ખા બંનેને પણ અજ્ઞાત હુમલાખોરોએ ઠાર માર્યા હતા. હાલ વિદેશોમાં વસતા ભારતના એક પછી એક દુશ્મનોનો તેમના જ વિરોધીઓ સફાયો કરતા જાય છે.
લશ્કર એ તૈય્યબાનો આતંકી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝી, તે સંગઠનમાં ૨૦૧૦થી ૨૦૨૦ સુધી ભર્તી સેલનો હેડ હતો. ભારત વિરોધી કટ્ટરવાદી પ્રવૃત્તિઓ માટેનો તે એકમુખી માર્ગદર્શક હતો. તેને કાશ્મીરના યુવકોને લલચાવી ફોસલાવી ભર્તી કરવાની જવાબદારી સોંપાવમાં આવી હતી.
૨૦૧૮માં જમ્મુ કાશ્મીરના સુંજવાનમાં થયેલા આતંકી હુમલાનો તે માસ્ટર માઇન્ડ હતો, તેણે કાશ્મીરમાંથી ખ્વાજી શાહીદનું અપહરણ કરાવ્યું હતું. પછીથી તે શાહીદનું શિષ પી.ઓ.કે. પર (કપાઈ ગયેલું) મળી આવ્યું હતું.
ભારત વિરૂધ્ધ કાવતરાં કરનારના મુખ્ય સૂત્રધારો પૈકીનો તે એક સૂત્રધાર હતો. તેની બાઈક પર આવેલા હત્યારાઓએ હત્યા કરી હતી. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં લશ્કરનો એક અન્ય કમાન્ડર રીયાઝ અહમદ રાવલકોટમાં અલફુટસ મસ્જિદની બહાર માર્યો ગયો હતો. ૧૦ ઓક્ટોબરે ફિદાયદીન જૂથના મુખ્ય સંચાલક અને જૈશ-એ-મોહમ્મદના આતંકી શાહીદ લતિફની પણ સિયાલકોટમાં હત્યા કરવામાં આવી હતી. તે ભારતનાં ૨૦૧૬માં પઠાણ કોટમાં થયેલા આતંકી હુમલા માટે જવાબદાર હતો. તેના એક મહિના પહેલાં ગુલશન-એ-ઉમર પહેલા પાસે લશ્કરના મૌલાના ઝિયા ઉર રહેમાનની પણ કરાચીમાં ગોળી મારી તેને અલ્લાહની પાસે પહોંચાડી દેવામાં આવ્યો.
આ પૂર્વે મે મહીનામાં ખાલિસ્તાન કમાન્ડો ફોર્સનો પ્રમુખ પરમજિત સિંહ પંજવાર માર્નિંગ વોક કરવા નીકળ્યો ત્યારે હુમલાખોરોએ તેનાં ઘર પાસે જ ગોળી મારી હત્યા કરી હતી. જ્યારે કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર અને સુખદૂલ સિંહ ઉર્ફે સુખ્ખાની પણ અજ્ઞાત હુમલાખોરોએ હત્યા કરી હતી.
આમ છેલ્લા કેટલાક સમયથી ભારત વિરોધી આતંકીઓની તેમના જૂથમાં જ રહેલા તેમના વિરોધીઓ દ્વારા હત્યા કરવાનો સીલસીલો ચાલુ થઇ ગયો છે.