પેશાવર હુમલા પર પાકિસ્તાની મંત્રીએ કહ્યું- ભારતમાં આવી ઘટના નથી બનતી
- આ આત્મઘાતી હુમલામાં 100 લોકોના મોત થયા હતા
નવી દિલ્હી, તા. 1 ફેબ્રુઆરી 2023, બુધવાર
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પેશાવરની મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટ અંગે કહ્યું કે, અમે આતંકવાદના બીજ વાવ્યા છે જેના કારણે પાકિસ્તાનમાં આવી ઘટનાઓ બને છે. તેમણે કહ્યું કે ભારતમાં પણ પ્રાર્થના, નમાજ દરમિયાન લોકોને મારવામાં નથી આવતા.
આ આત્મઘાતી હુમલામાં 100 લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા છે. નેશનલ એસેમ્બલીમાં હુમલા પર પોતાના વિચારો વ્યક્ત કરતા આસિફે કહ્યું કે, ભારતમાં કે ઈઝરાયેલમાં પણ નમાજ દરમિયાન શ્રદ્ધાળુઓ નથી માર્યા ગયા પરંતુ પાકિસ્તાનમાં આવું થયું છે.
સોમવારે બપોરે લગભગ 1:00 વાગ્યે મસ્જિદના સેન્ટ્રલ હોલમાં વિસ્ફોટ થયો હતો. આતંકવાદ સામેની લડાઈમાં એકતાનું આહવાન કરતા મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન માટે હવે સમય આવી ગયો છે કે તે પોતાના ઘરને વ્યવસ્થિત કરે.
2010-2017 દરમિયાન આતંકવાદની ઘટનાઓને યાદ કરતાં મંત્રીએ કહ્યું કે, આ યુદ્ધ પીપીપીના કાર્યકાળ દરમિયાન સ્વાતથી શરૂ થયું હતું અને તે પીએમએલ-એનના પાછલા કાર્યકાળ દરમિયાન સમાપ્ત થયું હતું અને કરાચીથી સ્વાત સુધી દેશમાં શાંતિ હતી. પરંતુ જો તમને યાદ હોય તો દોઢ-બે વર્ષ પહેલાં અમને આ જ હોલમાં બે-ત્રણ વાર એક બ્રિફિંગ આપવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેમની સામે મંત્રણા થઈ શકે છે.
આસિફે કહ્યું કે, આ મામલે અલગ-અલગ મંતવ્યો સામે આવ્યા હતા પરંતુ તેમ છતાં કોઈ નિર્ણાયક નિર્ણય લેવામાં નહોતો આવ્યો.
આસિફે જણાવ્યું હતું કે, વડા પ્રધાન અને સેના પ્રમુખ પેશાવરની મુલાકાતે ગયા હતા જ્યાં તેમને હુમલા વિશે માહિતી આપવામાં આવી હતી. મંત્રીએ કહ્યું કે, પરંતુ આ એક દુર્ઘટના છે જ્યાં આપણને એ જ સંકલ્પ અને એકતાની જરૂર છે જે 2011-2012માં વ્યક્ત કરવામાં આવી હતી.