એક તરફ હમાસ- ઇઝરાયલ યુદ્ધ લેબેનોન અને ઇરાન સુધી પહોંચ્યું છે : ત્યાં તાઇવાન મુદ્દે યુ.એસ.- ચીન સંઘર્ષ વકરે છે
- રશિયાની ધમકીને લીધે પશ્ચિમ યુક્રેનને પડતું મુકશે ?
- કોઈપણ ભોગે અમેરિકાને તાઇવાન પડતું મૂકવું પોસાઇ તેમ નથી મ. પૂર્વમાં દાખલ થવાનું ફૂટબોર્ડ ઇઝરાયલ નબળું પડે તે પણ પોસાય તેમ નથી
નવી દિલ્હી : તાજેતરમાં યુદ્ધ ક્ષેત્રમાં રશિયન સૈન્યની ચાલુ રહેલી આગેકૂચથી, યુક્રેનને પીઠબળ આપનારા પશ્ચિમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સ્થિતિ એવી ઉભી થઈ છે કે પશ્ચિમ હવે યુક્રેનને પડતું મૂકશે તેવી આશંકા પ્રસરી રહી છે તેનું મુખ્ય કારણ તે પણ છે કે રશિયાએ અમેરિકા સહિત પશ્ચિમના રાષ્ટ્રોને યુક્રેન બાબતે કોઈ સમજૂતી (સેટલમેન્ટ) સાધવા વિચારી રહ્યા છે. ટૂંકમાં પશ્ચિમ યુક્રેન 'પડતું' મૂકે તેવી આશંકા સેવાઈ રહી છે.
રશિયાના પ્રમુખ પુતિને 'આર્મી ડેવલપમેન્ટ મીટીંગ'ને વિડિયો કોન્ફરન્સ દ્વારા કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, 'આપણે હવે ભૂમિદળ અને નૌકાદળનું સર્વગ્રાહી પુનર્શસ્ત્રીકરણ કરવું શરૂ કરી દીધું છે.' આ સાથે પુતિને અમેરિકા સહિતના પશ્ચિમના દેશોને યુક્રેન યુદ્ધથી દૂર રહેવાની ચેતવણી આપી દીધી છે.
તેઓએ આ ચેતવણી રશિયાની ન્યુક્લિયર સાઇટની મુલાકાત સમયે આપી હતી તે વિશેષ ઉલ્લેખનીય છે. રશિયા હવે યુક્રેન ઉપર 'આખરી હુમલો' કરવા તૈયારી કરે છે.
પૂર્વમાં ચીને અમેરિકા સહિત પશ્ચિમના દેશોને તાઇવાનથી દૂર રહેવા ચેતવણી આપી છે. તાઇવાનને શસ્ત્રો વેચનાર અમેરિકાની ૯ શસ્ત્ર ઉત્પાદક કંપનીઓને ચીનમાં પ્રતિબંધિત કરી દીધી છે. બુધવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા બિન-જિયાંગે કહ્યું હતું કે, તાઇવાનને શસ્ત્રો પૂરા પાડવા તે 'વન-ચાયના' પ્રિન્સિપલનું સર-એ-આમ ઉલ્લંઘન છે, અને તે ચીનનાં સાર્વભૌમત્વના ખુલ્લેઆમ ભંગ સમાન છે. આ સાથે ચીને અમેરિકાને જણાવી દીધું છે કે, તાઇવાનની સ્વતંત્રતાને તેણે સમર્થન આપવું બંધ કરવું જોઈએ સાથે તેને શસ્ત્ર પુરવઠો પણ આપવો બંધ કરવો જોઈએ.
હમાસ ઇઝરાયલ યુદ્ધની વાત લઈએ તો અમેરિકા અને પશ્ચિમના રાષ્ટ્રો ખુલ્લં ખુલ્લાં ઇઝરાયલને સહાય કર છે. આથી ઇરાન સાથેના પણ તેઓના સંબંધો બગડયા છે. આ યુદ્ધનો નજીકમાં તો કોઈ અંત દેખાતો જ નથી એક તરફ ઇરાન અને તેના પાલતુ હીઝબુલ્લાહ તથા હથી છે સાથે ઇરાનનું પીઠબળ પામેલ હમાસ છે. બીજી તરફ ઇઝરાયલ અને તેની સાથે રહેલા અમેરિકા સહિતના પશ્ચિમના રાષ્ટ્રો છે. પશ્ચિમ ઇઝરાયલનો સાથ છોડે તેમ નથી કારણ કે ભૂમધ્ય સમુદ્રમાંથી તેલ સમૃદ્ધ મધ્ય પૂર્વમાં સીરીયા અને ઇરાકમાં જવાનું ઇઝરાયલ ફૂટ-બોર્ડ છે.
આમ પૂર્વે ચીન- તાઇવાન સંઘર્ષ છે. પશ્ચિમે ઇઝરાયેલ હમાસ યુદ્ધ છે, મધ્યમાં રશિયા- યુક્રેન યુદ્ધ છે. પશ્ચિમને યુક્રેનને પડતું મૂકવું પોષાય તેમ છે પરંતુ તાઇવાનને પડતું નહી કારણ કે તેથી પેસેફિક ઉપરનું લૉક તેના હાથમાંથી ચાલ્યું જાય, જયારે પશ્ચિમે ઇઝરાયલનું 'ફૂટબોર્ડ' તેટલું જ મહત્ત્વનું છે.