ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર હુમલો, ગંભીર ઈજાના કારણે કોમામાં જતો રહ્યો
Image Source: Twitter
મેલબોર્ન, તા. 26 નવેમ્બર 2023
ઓસ્ટ્રેલિયામાં વધુ એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો થયો છે અને આ વિદ્યાર્થી ગંભીર ઈજાના કારણે કોમામાં જતો રહ્યો છે. વિદ્યાર્થી આસામનો રહેવાસી હોવાનુ જાણવા મળ્યુ છે. હુમલાની ઘટનામાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે.
અહેવાલ અનુસાર આ વિદ્યાર્થી ઓસ્ટ્રેલિયાની તાસ્માનિયા યુનિવર્સિટીમાં માસ્ટરનો અભ્યાસ કરે છે અને આ ઘટના પાંચ નવેમ્બરે તાસ્માનિયા રાજ્યમાં જ બની હતી. હુમલાના કારણે વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થઈ હતી. તેનુ એક ફેફસુ પણ ખરાબ થઈ ગયુ હતુ અને તેના મગજ પર પણ હુમલામાં ઈજા પહોંચી છે. આ વિદ્યાર્થીની બાદમાં સર્જરી કરવામાં આવી હતી. સર્જરી પૂરી થતા કલાકો લાગ્યા હતા.
પોલીસે કહ્યુ હતુ કે, ભારતીય વિદ્યાર્થી પર હુમલો કરનારાનુ નામ બેન્જામિન કોલિંગ્સ છે અને તેની વય 25 વર્ષની છે. આ હુમલા બાદ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપીની અટકાયત કરી હતી. જોકે બાદમાં કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો. હવે તેણે ચાર ડિસેમ્બરે ફરી કોર્ટમાં હાજર રહીને તેના પર લાગેલા આરોપોનો જવાબ આપવો પડશે. તેના પર જે આરોપ લાગ્યા છે તે સાબિત થયા તો તેને મહત્તમ 21 વર્ષની જેલની સજા થઈ શકે છે.
આ મામલામાં તાસ્માનિયા યુનિવર્સિટીના પ્રવક્તાએ જાણકારી આપતા કહ્યુ હતુ કે, અમે વિદ્યાર્થીના પરિવાર સાથે સતત સંપર્કમાં છે અને આ મામલામાં વિદ્યાર્થીને દરેક પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.