ટ્રમ્પ પરનો હુમલો અમેરિકાના ગન કલ્ચરની દેન, 100માંથી 33 લોકો રાખે છે ઘાતક બંદૂકો, જાણો ચોંકાવનારા આંકડા
Attack on Trump : શનિવારે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થયો હતો. એક ચૂંટણી રેલી દરમિયાન એમના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાંની એક ગોળી ટ્રમ્પના કાનને વીંધી ગઈ હતી. એમના કાનમાંથી લોહી નીકળી આવ્યું હતું. એ સિવાય એમને કોઈ ઈજા નહોતી થઈ. હુમલો કરનાર 20 વર્ષનો છોકરો હતો જેની પાસે AR-15 સેમી-ઓટોમેટિક રાઈફલ હતી. ટ્રમ્પની સુરક્ષા માટે તહેનાત સ્નાઈપર્સે હુમલાખોરને સ્થળ પર જ ઠાર કરી દીધો હતો. આ હુમલાને કારણે ફરીથી અમેરિકાનું ગન કલ્ચર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
33 ટકા અમેરિકનો પાસે બંદૂકો છે
આંકડા કહે છે કે કુલ વસતીના ત્રીજા ભાગના એટલે કે 33 ટકા અમેરિકનો પાસે એક યા બીજા પ્રકારની બંદૂક છે. આના પરથી ખ્યાલ આવે છે કે અમેરિકામાં ગન કલ્ચર કેટલી હદે ઊંડું ઉતરી ગયું છે. અહેવાલો કહે છે કે અમેરિકનોએ 2024 ના પ્રથમ ચાર મહિનામાં 55 લાખ નવા હથિયાર ખરીદ્યા હતા. વસતીમાં બીજા ક્રમે આવતું ટેક્સાસ રાજ્ય ગન ખરીદીમાં પહેલે નંબરે છે. એપ્રિલ 2024 સુધીમાં આખા દેશમાં વેચાયેલી તમામ બંદૂકોમાંથી લગભગ 9 ટકા જેટલી બંદૂકો એકલા ટેક્સાસમાં ખરીદવામાં આવી હતી.
આત્મહત્યાને પ્રોત્સાહન આપતું ગન કલ્ચર
એકલા વર્ષ 2022 માં જ બંદૂકને કારણે અમેરિકામાં 48,000 લોકો માર્યા ગયા હતા. 2010માં આ આંકડો 32000 હતો. એ હિસાબે જોઈએ તો 12 વર્ષમાં બંદૂકને કારણે મરનારાઓની સંખ્યામાં 16,000 નો વધારો થયો છે. બંદૂકને કારણે આત્મહત્યા કરનારાઓમાં પણ 20 ટકામાં વધારો થયો છે. યુવાનોમાં વધેલું આપઘાતનું પ્રમાણ ચોંકાવનારું છે.
ગન કલ્ચરથી ફફડતા અમેરિકનો
કોઈ સનકી અમેરિકને શાળામાં ઘૂસીને અંધાધૂન ગોળીબાર કરીને માસૂમ બાળકોનો ભોગ લીધો હોય, એવી દુર્ઘટનાઓ અમેરિકામાં અવારનવાર બનતી જ રહે છે. એ કારણસર મોટાભાગના અમેરિકન માતાપિતા એમના બાળકોની સુરક્ષા બાબતે ચિંતિત રહે છે. લૂંટને ઈરાદે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓની હત્યા થતી હોય એવી ઘટનાઓ ત્યાં ખૂબ બને છે. 2023 માં જાહેર થયેલ એક અહેવાલ દર્શાવે છે કે અડધાથી વધુ પુખ્ત વયના અમેરિકનોએ પોતે અથવા એમના પરિવારના કોઈ સભ્યએ બંદૂક સંબંધિત ઘટનાનો અનુભવ કર્યો છે.
બંદૂક રાખવાના કાયદા કડક કેમ નથી બનાવાતા?
અમેરિકાનો એક વર્ગ બંદૂક ખરીદવા માટેના નિયમોને વધુ કડક બનાવવાની માંગ કરે છે. સામે પક્ષે છે ગન કલ્ચરના સમર્થકોનો મોટો વર્ગ, જે એવી દલીલ કરે છે કે બંદૂક પર પ્રતિબંધ મૂકવાથી તેમના જીવ પર જોખમ વધી જશે. બંદૂકોનો અબજોનો વેપાર ઠપ થાય એવું વગદાર ‘ગન લોબી’ નથી થવા દેતી, એને કારણેય અમેરિકામાં પ્રતિવર્ષ ગન કલ્ચર વકરતું જાય છે.
શું છે બંદૂક ખરીદવાના નિયમો?
અમેરિકાના ગન કંટ્રોલ એક્ટ 1968 (GCA) મુજબ અલગઅલગ પ્રકારની ગન ખરીદવા માટે અલગઅલગ વય મર્યાદા નક્કી કરાઈ છે. રાઈફલ અથવા કોઈપણ નાના હથિયાર ખરીદવા માટે ઓછામાં ઓછી વય 18 વર્ષ હોવી જોઈએ. હેન્ડગન જેવા હથિયાર ખરીદવા માટે 21 વર્ષની વય જરૂરી છે. અમેરિકામાં કોઈપણ રાજ્ય વય મર્યાદા વધારી શકે છે, પણ વય મર્યાદા ઘટાડવાની મંજૂરી રાજ્યોને નથી હોતી.
કોણ બંદૂક ખરીદી શકતું નથી??
ભાગેડુ, એક વર્ષથી વધારે સમયની જેલ સજા ભોગવનાર ગુનેગારો અને માનસિક રીતે બીમાર લોકો અમેરિકામાં બંદૂક ખરીદી શકતા નથી. ડ્રગ્સ લે-વેચનો ધંધો કરનારા પણ શસ્ત્રોની ખરીદ-વેચ કરી શકતા નથી. છેલ્લા એક વર્ષમાં ગેરકાયદે ડ્રગ્સનો ઉપયોગ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવેલા લોકો પણ બંદૂક ખરીદી શકતા નથી.
બંદૂક વેચનારાઓ માટે પણ છે ચોક્કસ નિયમો
અમેરિકામાં માત્ર બંદૂક ખરીદનારા માટે જ નહીં પરંતુ બંદૂક વેચનારાઓ માટે પણ નિયમો છે. બંદૂક વેચનાર માટે પણ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. બંદૂક વેચવાનું લાયસન્સ મેળવવા માટેની ન્યૂનતમ ઉંમર છે 21 વર્ષ. બંદૂક વેચવા માટે એક નિશ્ચિત સ્થાન હોવું જોઈએ અને એ સ્થાન વિશે સ્થાનિક પોલીસે જાણ હોવી જોઈએ. બંદૂક વેચનાર ઈચ્છુક વ્યક્તિ પોતાની માનસિક સ્થિતિ સંતુલિત હોવાનું પ્રમાણપત્ર રજૂ કરે એ પછી જ એને શસ્ત્રો વેચવાનું લાયસન્સ આપવામાં આવે છે.
આ પણ વાંચો
• શું ‘ધ સિમ્પસન્સ’એ ડોનાલ્ડ ટ્રમ્પના હત્યાના પ્રયાસની આગાહી કરી હતી? સોશિયલ મીડિયા પર મચી ખલબલી
• મારી પણ હત્યા કરવાના પ્રયાસ થયા: ટ્રમ્પ પર હુમલા બાદ મસ્કે કહ્યું- આગામી સમય ખતરનાક
• અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ પર ગોળીબાર, માંડ માંડ જીવ બચ્યો, કાન પર ગોળી વાગી
• ડોનાલ્ડ ટ્રમ્પને 20 વર્ષના છોકરાએ ગોળી મારી... એફબીઆઈએ હુમલાખોરની ઓળખ જાહેર કરી
• શું ટ્રમ્પ પર જાણી જોઈને હુમલો થવા દેવાયો? રેલીમાં આવેલા લોકોના આરોપથી હડકંપ
• મેં ફાયરિંગનો અવાજ સાંભળ્યો, ગોળી કાનને ચીરતી નીકળી ગઈ, ઘણું લોહી વહ્યું..' હુમલા પછી ટ્રમ્પનું પહેલું નિવેદન
• મૂવ..મૂવ.. ટ્રમ્પ પર ગોળીબાર થતાં સિક્રેટ સર્વિસ એજન્ટ થયા એક્ટિવ, આખી ઘટના કેવી રીતે બની?
• જ્હોન કેનેડી, ઓબામાથી લઈને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી.. અમેરિકામાં નેતાઓ પર હુમલા થવાની લાંબી છે યાદી