મુસ્લિમ બહુલ દાગેસ્તાનમાં ઇસાઇ અને યહુદી ધર્મ સ્થળ પરનો હુમલો, મોતનો આંકડો વધીને 20 થયો
ડર્બેટ શહેરમાં હુમલાની ઘટના પછી સન્નાટો પ્રસરી ગયો છે
સોમ થી બુધવાર સુધી શોક દિવસ તરીકે મનાવવામાં આવશે.
ડેબર્ટ, 25 જૂન,2024,મંગળવાર
રશિયાના દક્ષિણ પ્રાંત દાગેસ્તાનમાં ઇસાઇઓ અને યહુદીઓના ધર્મસ્થળ પર આધુનિક હથિયારોથી સજજ આતંકીઓએ અંધાધૂધ ગોળીબાર કરતા 20 થી વધુ લોકોના મોત થયા છે જેમાંના મોટા ભાગના પોલીસકર્મીઓ છે. સંભવિત આતંકી હુમલાની આ ઘટના દાગેસ્તાનના ડર્બેટ શહેરમાં થઇ હતી. એપીના અહેવાલમાં જણાવ્યા અનુસાર દાગેસ્તાનના ગર્વનરે બંદુકધારીઓએ 20 લોકોની હત્યા અને 20 લોકો ઘાયલ થયા હોવાની વાતને પુષ્ટી આપી છે.
સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહી જેમાં 6 હુમલાખોરો માર્યા ગયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર દાગેસ્તાનમાં રવિવારે હુમલાખોરોએ બે ચર્ચ અને એક સિનગૉગ તથા તેની નજીકની પોલિસ ચોકી પર ગોળીઓ વરસાવી હતી. કાસ્પિયન સાગર નજીક આવેલા ડર્બેટ શહેરમાં હુમલાની ઘટના પછી સન્નાટો પ્રસરી ગયો છે. સોમ થી બુધવાર સુધી શોક દિવસ તરીકે મનાવવામાં આવશે. આ હુમલાની કોઇ પણ ગુ્પ કે આતંકી સંગઠને લીધી નથી.
રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસના સૂત્રોના જણાવ્યા અનુસાર દાગેસ્તાનમાં એક અધિકારી અને તેના પુત્રની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે. હુમલાની તૈયારીઓ વિદેશમાં કરવામાં આવી હોય તેવી પણ શંકા છે. ડેબર્ટના મૃતકોમાં એક 66 વર્ષીય પાદરી નિકોલે પણ હતા. આતંકીઓએ તેમના ગળાટૂંપો દઇને મોતને ઘાટ ઉતાર્યા હતા. ચર્ચના સુરક્ષાગાર્ડની પિસ્તોલમાં માત્ર એક ગોળી હતી આથી વળતો પ્રહાર થયા તે પહેલા સુરક્ષાકર્મીનું હુમલામાં મોત થયું હતું. દાગેસ્તાનમાં મુસ્લિમ ધર્મના લોકો બહુમતિમાં છે.
ગાજાપટ્ટીમાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરનારાઓ દાગેસ્તાનમાં પ્રદર્શન કરતા રહે છે. ઇઝરાયેલનું એક પ્રવાસી વિમાન એરપોર્ટ પર ઉતર્યુ ત્યારે પણ તેનો ઘેરાવો કરવાનો પ્રયાસ થયો હતો. ગત માર્ચ મહિનામાં મોસિકોના ઉપનગરમાં આવેલા કૉન્સર્ટ હોલ પર આતંકી હુમલો થયા બાદ દાગેસ્તાનમાં રશિયન સૈન્યએ દાગેસ્તાનમાં આતંક વિરોધી અભિયાન ચલાવીને મુસ્લિમ ચરમપંથીઓની અટકાયત કરી હતી.