UAEના સ્વામિનારાયણ મંદિરમાં કરાઈ ઓમસિય્યતની ઉજવણી, અલગ-અલગ ધર્મોના 200 પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત

Updated: Apr 7th, 2024


Google NewsGoogle News
UAEના સ્વામિનારાયણ મંદિરમાં કરાઈ ઓમસિય્યતની ઉજવણી, અલગ-અલગ ધર્મોના 200 પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત 1 - image


BAPS Hindu Mandir In Abu Dhabi: સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં નિર્માણ પામેલું પહેલું બીએપીએસ હિન્દુ મંદિરમાં છેલ્લા એક મહિનામાં લોખો ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે પવિત્ર રમઝાન માસને લઈને અહીં આંતર ધાર્મિક સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરાયું હતું. ઓમસિય્યત નામના કાર્યક્રમમાં હિન્દુ, મુસ્લિમ સહિત વિવિધ ધર્મના 200થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

આ મોટી હસ્તીઓએ હાજરી આપી

ઓમસિય્યતમાં બીએપીએસ મંદિરમાં સ્વામી બ્રહ્મવિહારીદાસ સાથે સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ મંત્રી શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિદેશી વેપાર રાજ્ય મંત્રી ડૉ. થાની બિન અહેમદ અલ ઝૈઉદી અને સમુદાય વિકાસ વિભાગના અધ્યક્ષ ડૉ. મુગીર ખામિસ અલ ખૈલી, અબ્રાહમિક ફેમિલી હાઉસના રબ્બી જેફ બર્જર, રબ્બી લેવી ડચમેન, ચર્ચ ઓફ સાઉથ ઈન્ડિયા પેરિશના ફાધર લાલજી અને બાહ એઈ સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બીજી એપ્રિલે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અબ્રાહમિક ફેમિલી હાઉસના રબ્બી જેફ બર્જરે કહ્યું, 'વિવિધતામાં એકતા માત્ર એક સિદ્ધાંત નથી,પરંતુ તે એક અભ્યાસ છે. આ આજે રાત્રે અહીં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સમજણ અને આદર તરફની અમારી સહિયારી યાત્રાનું પ્રતીક છે.'

મંદિર લોકો માટે આશા લાવે છે: શેખ નાહ્યાન

જ્યારે શેખ નાહ્યાને બીએપીએસ હિન્દુ મંદિરના પ્રભાવ પર ભાર મૂકતાં કહ્યું હતું કે, 'જ્યારે વિશ્વને અલગતાવાદ, અવિશ્વાસ, અસહિષ્ણુતા અને સંઘર્ષોથી ભય છે, ત્યારે આ મંદિર લોકોને આશા આપે છે. હું આ આંતરધર્મ કાર્યક્રમ માટે બીએપીએસ હિન્દુ મંદિરની પ્રશંસા કરું છું. સમગ્ર માનવજાતના ભલા માટે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રેખાઓમાં સાથે મળીને કામ કરવાનો હિન્દુ મંદિરનો દૃઢ સંકલ્પ ખરેખર પ્રશંસનીય છે.'

મંદિરના સ્વયંસેવકોએ ભોજન તૈયાર કર્યું

બીએપીએસ હિન્દુ મંદિરના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સમાપન શાકાહારી 'સુહૂર' સાથે થયું હતું, જે મંદિરના સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવેલા અરબી અને ભારતીય ભોજનનો સમાવેશ થતો હતો.

UAEના સ્વામિનારાયણ મંદિરમાં કરાઈ ઓમસિય્યતની ઉજવણી, અલગ-અલગ ધર્મોના 200 પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત 2 - image


Google NewsGoogle News