ઓમાને ભારતને ડૂકમ પોર્ટ સોંપતા પાકિસ્તાનને મરચાં લાગ્યા, સોશિયલ મીડિયામાં બળાપો કાઢયો
ડૂકમનો ઝડપથી વિકસિત થઇ રહેલા બંદરગાહમાં થાય છે
સોશિયલ મીડિયામાં પાકિસ્તાનીઓએ ઓમાનની ટીકા કરી
મસ્કત,૧૪ ફેબુ્આરી,૨૦૨૪,બુધવાર
મધ્યપૂર્વના આરબ દેશ ઓમાને ભારતને પોતાનું ડૂકમ નામનું મહત્વનું પોર્ટ સોંપતા નવા જ ઐતિહાસિક સંબંધોની શરુઆત થઇ છે. ઓમાનના સુલતાને પાટનગર મસ્કતથી ૫૫૦ કિમી દૂર આવેલું ડૂકમ પોર્ટ ભારતને આપવાનો નિર્ણય કર્યો હતો. લાલ સાગરમાં હૂતી વિદ્રોહીઓ આતંક મચાવી રહયા છે ત્યારે ભારતના વેપારી જહાજોના રક્ષણ માટે ડૂકમ બંદર ખૂબજ મહત્વનું સાબીત થશે એમ માનવામાં આવી રહયું છે.
ડૂકમ અરબસાગરના કિનારે ઓમાનના અલ વસ્તા પ્રાંતમાં આવેલું છે. આ ડૂકમનો ઝડપથી વિકસિત થઇ રહેલા બંદરગાહમાં થાય છે. ઓમાન આ પોર્ટને પર્યટન સ્થળ તરીેેકે પણ વિકસિત કરવા ઇચ્છે છે. ૨૦૧૮માં ભારત અને ઓમાન વચ્ચે પ્રથમ વાર એક સમજૂતી થઇ હતી જેમાં ડૂકમના વિકાસમાં મૂડી રોકાણનો સમાવેશ થતો હતો. આ સમજૂતી અંર્તગત ભારત ડૂકમ બંદરગાહ પોતાના નૌ સેના જહાજ પણ લાવી શકે છે.
ભારત અને ઓમાન વચ્ચેની સમજૂતીનો અમલ થતા પાકિસ્તાનમાં હતાશા ફરી વળી છે. પાકિસ્તાનમાં ચુંટણીના પરિણામો પછી નેતાઓ સરકાર રચવા માટે વ્યસ્ત છે ત્યારે પાકિસ્તાની લોકો જ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોેર્મ પર ઓમાનના પગલાની ટીકા કરી રહયા છે. કેટલાકે પોતાના રાજકીય નેતાઓ ઉપર જ દોષનો ટોપલો ઢોળ્યો છે.
ઓમાન મુસ્લિમ દેશ છે આથી બીજા મુસ્લિમ દેશની પડખે જ રહેવું જોઇએ એવી પણ પ્રતિક્રિયા પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર મળી રહી છે. ભારતના દ્રષ્ટીકોણથી જોતા આ પગલાથી ઓમાન અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. ઇરાનમાં ચાહબર બંદર પછી ઓમાનમાં ડૂકમ બંદર આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં નિષ્ણાતો મોટી જીત માની રહયા છે.