ઓલિમ્પિકસના ઇતિહાસની રોમાંચક વાત- જવાળામુખી ફાટવાથી ઓલિમ્પિકસ રોમથી લંડન ખસેડાયો હતો
ઓલિમ્પિક રમાડવાના નાણા જવાળામુખી બુઝાવવામાં ખર્ચાઇ ગયા હતા
બ્રિટને પોતાના લંડન શહેરમાં ઓલિમ્પિક યોજવાની તૈયાર બતાવી હતી
29 જુલાઇ,2024,સોમવાર
પેરિસમાં ઓલિમ્પિક રમાઇ રહયો છે ત્યારે ઓલિમ્પિકના ઇતિહાસના રોમાંચક કિસ્સાઓ અને ઘટનાઓ વિશે જાણવું રસપ્રદ છે. વિશ્વમાં દર 4 વર્ષે યોજાતા રમતકુંભનો ઇતિહાસ પણ જાજરમાન છે. ભૂતકાળ અને વર્તમાનમાં પણ ખેલકુંભની લોકપ્રિયતા અને દબદબો જળવાઇ રહયા છે.
ઓલિમ્પિકસ રમાડવા માટેના નાણા જવાળામુખી બુઝાવવામાં વપરાયા
સેન્ટલૂઇસ ખાતેના ઓલિમ્પિકસમાં મળેલી નિરાશાને ભૂલીને ઓલિમ્પિકસ કમિટીએ 1908માં ઇટલીના રોમ ખાતે રમતોત્સવનું આયોજન કર્યું હતું. જો કે આ ઐતિહાસિક શહેરમાં રમતોત્સવ યોજાય તેના એક બે વર્ષ પહેલા 1906માં માઉન્ટ વિસુવિયસ નામનો જવાળામુખી ફાટી નિકળતા ઓલિમ્પિકમાં કરવાનો ખર્ચ જવાળામુખીને નાથવામાં થતા ઇટલીએ હાથ અધ્ધર કરી દિધા હતા. આવી વિકટ પરીસ્થિતિમાં બ્રિટને પોતાના લંડન શહેરમાં ઓલિમ્પિક યોજવાની તૈયાર બતાવી હતી.
આ માટે માત્ર 10 મહિનામાં વ્હાઇટ સીટીમાં ઓલિમ્પિકસની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી.લંડન ઓલિમ્પિકસમાં અમેરિકાના ખેલાડીઓએ જજો પર યજમાન ટીમના ખેલાડીઓની તરફેણ કરવાનો આક્ષેપ મુકતા વિવાદ થયો હતો. છેવટે કમિટીએ આગામી સમયમાં જુદા જુદા દેશોના જજોની નિમણુંક કરવાનો નિર્ણય હતો. આઇસ સ્કેટિંગ અને બાઇસિકલ પોલો રમતને પહેલીવાર સામેલ કરવામાં આવી હતી.
મેરેથોન દોડમાં ઇટલીનો ડોરંડો પિએત્રી નામનો ખેલાડી નિર્ધારિત સ્થળે પહોંચનાર પહેલો ખેલાડી હતો પરંતુ તે દોડ દરમિયાન વારંવાર પડી ગયો હોવાથી તેને અયોગ્ય જાહેર કરવામાં આવ્યો હતો.નવાઇની વાત તો એ છે કે પડયા પછી પણ તે દોડવામાં હરિફ ખેલાડીઓ કરતા આગળ હોવાથી કેટલાક અધિકારીઓએ ફિનિશિંગ લાઇન પાર કરવાની સૂચના આપી હતી.છેવટે અમેરિકાના જોન હેસને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.
1912માં સ્ટોકહોમમાં ઓલિમ્પિકસમાં અમેરિકાના જિમ થોર્પે જીતેલો મેડલ કેમ પાછો લેવાયો હતો ?
ઇસ 1912માં વિશ્વયુધ્ધના વાદળો મંડાઇ રહયા હતા તેવા સંજોગોમાં સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં ઓલિમ્પિકસ યોજાયો હતો. લંડનમાં 26 રમતો હતી જે સ્ટોકહોમમાં ઘટીને 14 થઇ હતી. રમતો અને રમતવીરો ઘટી જતા પેંટેથલોન, ઘોડેસવારી, ફેન્સિંગ, સ્વીમીંગ જેવી રમતોનો દબદબો રહયો હતો. અમેરિકાના ખેલાડી જિમ થોર્પે પેંટેથલોન અને ડેકેથલોન સ્પર્ધા સરળતાથી જીતી લીધી હતી.
સ્વીડનના રાજા ગુસ્તાવ પંચમે જિમ થોર્પને દુનિયાનો મહાન એથલેટ તરીકે ઓળખાવ્યો હતો. જો કે થોર્પે બેઝ બોલ રમવા ખાતર પૈસા લીધા હોવાનું બહાર આવતા તેની પ્રતિષ્ઠાને ધકકો પહોંચ્યો હતો. ઓલિમ્પિકમાં એ સમયે ધંધાદારી ખેલાડીઓને પણ સ્થાન મળી જતું હતું.ઓલિમ્પિક કમિટીના ધ્યાનમાં જિમ થોર્પનો મેડેલ ખુંચવી લીધો હતો. આમ ધંધાદારી હોવાના કારણે મેડેલ પાછો લઇ લેવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના હતી.૧૯૮૨માં થોર્પનું મુત્યુ થયું ત્યારે આઇઓસીએ તેને માફ કરીને સાચી શ્રધ્ધાંજલી આપી હતી.
પેરિસ ઓલિમ્પિકમાં નાર્મન પિચાર્ડે નામના અંગ્રજે ભારતને 2 સિલ્વર મેડલ અપાવેલા
1900માં પેરિસ ઓલિમ્પિકસમાં નાર્મન પિચાર્ડે ભારતને પુરુષની 200 મીટર અને પુરુષોની 200 મીટર વિધ્નદોડમાં 2 સિલ્વર મેડલ જીતાડયા હતા.નાર્મન ગિલબર્ટ પિચડનો જન્મ 23 જૂન 1877ના રોજ કોલકાતામાં થયો હતો.પિચાર્ડ માત્ર ભારતના જ નહી ઓલિમ્પિકસમાં મેડલ જીતનાર એશિયાના પ્રથમ ખેલાડી હતા.તેઓ એથલેટ હોવાની સાથે સારા ફૂટબોલર પણ હતા. કોલક્તાની એક ફૂટબોલ કલબ વતી રમતા તેમણે ગોલની હેટ્રીક પણ નોંધાવી હતી. બ્રિટિશ મૂળના પિચર્ડ 1905માં ભારત છોડીને ઇંગ્લેન્ડ જતા રહયા હતા.
જો કે પિચાર્ડને લઇને એક વિવાદ પણ છે. 1905માં ઇન્ટરનેશનલ એથલેટિકસ ફેડરેશને પોતાના અધિકૃત ગેજેટમાં આ પિચાર્ડના મેડલ ઇગ્લેન્ડના ખાતામાં ગણાવ્યા હતા. જો કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિકસ કમિટીના જણાવ્યા મુજબ પિચર્ડે પેરિસ ઓલિમ્પિકસમાં મેળવેલા બે સિલ્વર મેડલ ભારતના નામે છે. આથી ભારતે 1900માં વ્યકિતગત સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યા હતા.આ ઓલિમ્પિકસમાં કુલ 24 દેશોના 997 ખેલાડીઓએ ભાગ લીધો હતો. પહેલી અને છેલ્લી વાર આ સ્પર્ધામાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેનો ગોલ્ડ મેડલ ગ્રેટ બ્રિટને જીત્યો હતો.
1928માં એમ્સ્ટર્ડમ ખાતે ભારતને પહેલો ગોલ્ડ હોકીમાં મળ્યો હતો
1928માં હોલેન્ડના એમ્સ્ટર્ડમમાં રમાયેલા ઓલિમ્પિકસમાં ભારતની હોકી ટીમે ભાગ લઇ પહેલીવાર ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. યજમાન હોલેન્ડ વિરુધ ૫૦ હજાર પ્રેક્ષકોની હાજરીમાં હોકીના મહાન જાદુગર ખેલાડી મેજર ધ્યાનચંદના લાજવાબ પ્રદર્શનને હોકીપ્રેમીઓ વર્ષો સુધી ભૂલી શક્યા ન હતા. હોલેન્ડની હોકી ટીમને ઘર આંગણાની પરિસ્થિતિ અને સર્મથકોનો લાભ મળવાથી ઉત્સાહમાં હતી.જેવી મેચની શરુઆત થઇ કે હોલેન્ડની હોકી ટીમ ભારતની હોકી ટીમ પર હાવી થવા લાગી હતી.ધ્યાનચંદના નેતૃત્વમાં ભારતીય ખેલાડીઓએ પણ વ્યૂહરચના ઘડી હતી.
સમગ્ર ટીમની આગેવાની સેન્ટર ફોરવર્ડના ખેલાડી ધ્યાનચંદે લેતા ટીમ ઉત્સાહમાં આવી ગઇ હતી.આથી હરીફ ટીમને એક પણ ગોલ કરવાની તક મળતી ન હતી. જયારે પણ હોલેન્ડ માટે તક ઉભી થતી ત્યારે ભારતીય ટીમ તેને નિષ્ફળ બનાવી દેતી હતી. ધ્યાનચંદની હોકીસ્ટીકનો બોલ સાથે સંપર્ક થાય ત્યારે હરીફ ટીમને છકાવીને બોલને પાસ કરી દેતા ત્યારે દર્શકો જોતા રહી જતા હતા.હોલેન્ડની ટીમ ઘર આંગણે વિજય મેળવવા આક્રમક બની છતાં એક પણ ગોલ થવા દીધો ન હતો.જયારે ભારતે આ મેચમાં કુલ 3 ગોલ કર્યા હતા. આ ત્રણ ગોલમાંથી શરુઆતના 2 ગોલ મેજર ધ્યાનચંદે ફટકારીને ભારતને અજેય સરસાઇ અપાવી હતી.
બે વિશ્વયુધ્ધોના કારણે પાંચ વાર ઓલિમ્પિકસ રદ્દ થયા હતા
ઇસ 1939 થી 1945 સુધી બીજુ વિશ્વયુધ્ધ ફાટી નિકળતા રમતોત્સવને કોઇ જ યાદ કરતું ન હતું. બર્લિનમાં ઓલિમ્પિકસ પછી છેક 1948માં લંડન ખાતે ખેલ મહાકુંભ યોજાયો હતો.વિશ્વયુદ્ધ પછીની મહામંદી અને વિવિધ દેશો વચ્ચેના ખટરાગ શમ્યા ન હતા. આથી ભાગ લેવો કે ના લેવો,કયા દેશને આમંત્રણ આપવું અને કયા દેશને આમંત્રણ ના આપવું તેને લઇને ભારે વિવાદ ચાલ્યો હતો.
દુનિયા બે ભાગમાં વહેંચાઇ ગઇ હતી.તેની અસર રમતોત્સવ પર જણાતી હતી. વેમ્બલી સ્ટેડિયમમાં 58 દેશોના 4114ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં 390 મહિલાઓ હતી. 17 સ્પોર્ટસ માટે 136 ઇવેન્ટ યોજાઇ હતી. જેમાં અમેરિકાએ સૌથી વધુ 38 ગોલ્ડ સાથે કુલ 84 મેડલ જીત્યા હતા. સોવિયત સંઘ તથા જર્મનીએ આ રમતોત્સવમાં ભાગ લીધો ન હતો.