'જગત જમાદાર'ના ઘરમાં જ 6.50 લાખથી વધુ લોકો 'બેઘર', આ છે તેના મુખ્ય કારણો, રિપોર્ટમાં ખુલાસો
એક વર્ષ પહેલાની તુલનાએ આ આંકડો 70,650 વધુ
અમેરિકામાં બેઘર લોકોની સંખ્યા 12 ટકા વધીને રેકોર્ડ ઊંચાઈએ પહોંચી
Homeless people in US | અમેરિકા જવાની ઘેલછા કોને નથી હોતી? દરેક લોકો અમેરિકા જઈને ડૉલરમાં કમાણી કરવાના સપના જોતા હશે પરંતુ એક નવા સરકારી રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. અમેરિકામાં બેઘર લોકોની સંખ્યા 12 ટકા વધીને રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગઈ છે.
આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો
આવાસ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર અમેરિકામાં દેશભરમાં લગભગ 653,000 લોકો બેઘર થઇ ગયા હતા. એક વર્ષ પહેલાની તુલનાએ આ આંકડો 70,650 વધુ છે અને 2007માં સરવે શરૂ થયા બાદથી આ સૌથી મોટો આંકડો છે.
કોની વસતી વધુ બેઘર?
રિપોર્ટમાં દાવો કરાયો છે કે અમેરિકામાં આફ્રિકી અમેરિકી લોકોની વસતી 13 ટકા જેટલી છે પણ આ લોકોની બેઘર થવાની ટકાવારી 37% છે. જોકે બેઘર થવામાં સૌથી મોટો ઉછાળો હિસ્પેનિક લોકોમાં જોવા મળ્યો હતો જે 2022થી 2023 સુધી 28% જેટલાં હતા. જોકે આખા પરિવારના બેઘર થવાની ટકાવારીમાં પણ 16%નો વધારો થયો છે જે 2012 બાદથી ઘટાડાના ટ્રેન્ડને બદલી રહી છે. અમેરિકામાં બેઘર થવાના સંકટ પાછળનાં મુખ્ય કારણ વધતાં મકાન ભાડા અને કોરોના વાયરસની મહામારીની સહાયમાં ઘટાડો સામેલ છે.