પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધીને 60 લાખ સુધી પહોંચી છે પરંતુ GDP વિકાસ દર 2.4 ટકા રહ્યો છે
- પાકિસ્તાન ખેતીપ્રધાન દેશ છે ત્યાં ગધેડા ખેતીમાં માલ પરિવન અને મુસાફરી માટે અત્યંત મહત્વનું સાધન બની રહ્યાં છે
નવી દિલ્હી : ૨૦૨૩-૨૪ના પાકિસ્તાનની ઇકોનોમિક સર્વેમાં આશ્ચર્યજનક વિગત બહાર આવી છે કે, પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જયારે તેનો આર્થિક વિકાસ દર ઘટી રહ્યો છે. આ સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના ગધેડાઓની સંખ્યા વધીને ૫૯ લાખથી ઉપર પહોંચી છે, જે તેના ગત નાણાકીય વર્ષના પ્રમાણમાં ૧.૭૨ ટકા વધુ છે. જયારે ૨૦૨૩-૨૪માં નાણાકીય વર્ષમાં તેનો આર્થિક વિકાસ દર ઘટીને ૨.૪ ટકા જ રહ્યો છે. જે ૨૦૨૨-૨૩ના વર્ષમાં ૩.૫% હતો. આમ પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યામાં ૧.૭૨ ટકાનો વધારો એક વર્ષમાં થયો છે. તો બીજી તરફ આર્થિક વિકાસ દરમાં ૧.૧ ટકાનો ઘટાડો નોંધાયો છે.
જો કે આ સર્વેમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે, ગધેડામાં તેના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીં ગધેડાનું કદ પણ મોટુ હોવાથી તેનો ખેતીમાં બળદના સ્થાને ઉપયોગ કરાય છે. તેમજ માલ-વહનમાં પણ તે ઘણા ઉપયોગી છે. વિશેષત: ઉત્તર-પશ્ચિમના પર્વતીય વિસ્તારો (કીરથાર રેન્જ)માં, જયાં માર્ગો જ નથી ત્યાં પર્વતોમાં રચાયેલી કેડીઓ ઉપર આ સ્યોર ફુટેડ એનિમલ્સ જ માલ લઇ જઇ શકે છે. તેમજ યાતાયાત માટે માણસો તેની ઉપર બેસીને મુસાફરી કરે છે. વિશેષત: તે પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં દરેક રીતે ઉપયોગી પશુ છે. માટે ઘણા કુટુંબો માટે તો તે મહત્વનું આર્થિક સાધન બની રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં રાજકીય સ્થિરતા દાયકાઓથી જોવા મળી નથી. તેથી વિદેશી રોકાણકારો તો ત્યાં આવતા જ નથી. દેશમાં પણ ઇન્ફ્રાસ્ટ્રકચર (મુળભુત ઢાંચા)નો લગભગ અભાવ છે. રેલવે તો પૂરતા પ્રમાણમાં નથી જ પરંતુ માર્ગોની પણ પરિસ્થિતિ બિસ્માર છે. વીજળી પણ પૂરતી નથી. તેમાં વારંવાર કાપ આવે છે. તેથી સ્થાનિક ઉદ્યોગ પણ પૂરતા પ્રમાણમાં વિકસી શકે તેમ નથી. અધુરામાં પુરુ ત્યાંની નોકરશાહી (બ્યુરોકસી) ઘણી જ સક્ષમ છે. આળસુ પણ છે. હોતી હૈ ચલતી હૈ જેવું તેનું વલણ છે. તેથી ઔદ્યોગિક ઉત્પાદન રુંધાય છે. પરિણામે આર્થિક વિકાસ રુંધાઈ રહ્યો છે. અર્થતંત્ર એટલું નબળું છે કે લોનના હપ્તા ચુકવવા IMF ની લોન લેવી પડે છે.