ભારતને રોકવા પાક. સાથે પરમાણુ કરાર જરૂરી : ઢાકા યુનિ.ના પ્રોફેસર
બાંગ્લાદેશના કટ્ટરવાદીઓનો પાક. પ્રત્યેનો પ્રેમ જાગ્યો
પાકિસ્તાનીઓ ઇર્ષાળુ છે પરંતુ બાંગ્લાદેશને ભારતથી બચાવવા માટે કંઇ પણ કરવા તૈયાર રહે છે : પ્રોફેસરનો દાવો
ઢાકા: બાંગ્લાદેશમાં શેખ હસિનાના શાસનના અંતની સાથે જ કટ્ટરવાદ વકરી રહ્યો છે. અને અવાર નવાર ભારત વિરોધી ભડકાઉ નિવેદનો આપવામાં આવી રહ્યા છે. એવામાં ઢાકા યુનિવર્સિટીના પ્રોફેસર શાહિદુજ્જમાએ હવે પાકિસ્તાન તરફી અને ભારત વિરોધી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે બાંગ્લાદેશે પાકિસ્તાન સાથે મિત્રતા વધારવી જોઇએ અને પરમાણુ કરારો કરવા જોઇએ.
એક સેમિનારને સંબોધતા ઢાકા યુનિ.ના પ્રોફેસરે વધુમાં કહ્યું હતું કે બાંગ્લાદેશે પરમાણુ હથિયારો વિકસાવવા જોઇએ, આપણે પાકિસ્તાન સાથે પરમાણુ કરારો કરવા જોઇએ. પાકિસ્તાન બાંગ્લાદેશનો સૌથી વિશ્વસનિય અને વિશ્વાસપાત્ર સુરક્ષા સહયોગી દેશ છે. જેના પર ભારત બાંગ્લાદેશને વિશ્વાસ નથી કરવા દેતું. જે ભારતને કારણે બાંગ્લાદેશની સ્થાપના થઇ તેને જ લઇને હવે બાંગ્લાદેશના કટ્ટરવાદીઓ દુશ્મન ગણાવવા લાગ્યા છે. ઢાકા યુનિ.ના પ્રોફેસરે વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાનની પરમાણુ સહાય વગર ભારતને રોકવો મુશ્કેલ છે. પાકિસ્તાન હંમેશા બાંગ્લાદેશનો સૌથી વિશ્વાસપાત્ર સુરક્ષા ભાગીદાર રહ્યો છે. બાંગ્લાદેશે પાકિસ્તાનની સામે ઝુકવુ જોઇએ. પાકિસ્તાનીઓના દિલ ઇર્શાળુ છે, તેઓ નથી ઇચ્છતા કે બાંગ્લાદેશ તેમની સમક્ષ માફી માગે.
જોકે તેઓ એવુ નથી ઇચ્છતા કે બાંગ્લાદેશ ભારતની સાથે મિત્રતા રાખે. પાકિસ્તાન બાંગ્લાદેશને ભારતથી બચાવવા માટે કઇ પણ કરી શકે છે.