ઇઝરાયેલ હમાસ યુદ્ધ : ગત સપ્તાહે NSA અજિત ડોભાલે નેતાન્યાહુ સાથે કરેલી મંત્રણાની દુનિયાભરમાં ચર્ચા થઇ રહી છે
- રમજાનના પવિત્ર માસના પ્રારંભે જ આ મુલાકાત યોજાતાં ગાઝા પટ્ટીમાં માનવીય સહાય પહોંચાડવામાં સરળતા થવાની આશા
નવી દિલ્હી : રશિયા યુક્રેન યુદ્ધની જેમ જ હમાસ ઇઝરાયલ યુદ્ધ બંધ થવાની આશા ઓસરી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત ડોભાલને પશ્ચિમ એશિયા મોકલી ચીન અને પાકિસ્તાન જેવાની ઊંઘ ઉડાડી દીધી છે. અજિત ડોભાલે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યુહુ સામે લંબાણ મંત્રણા કરી હતી જે દરમિયાન ડોભાલે ઇઝરાયલ હમાસ યુદ્ધની પૃષ્ઠ ભૂમિમાં મધ્યપૂર્વમાં શાંતિ અને સલામતી તથા સ્થિરતા સ્થાપવા માટે તેઓએ નેત્યાન્યુહુ સમક્ષ ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો.
ડોભાલે ઇઝરાયલના રાષ્ટ્રીય સલામતી સલાહકાર સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ મંત્રણા કરી હતી. આ માહિતી આપતો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે, પોતાની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં આજે જણાવ્યું હતું કે તમો સર્વે જાણો જ છો કે વડાપ્રધાન પોતે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવા પ્રતિબધ્ધ છે. ઉત્સુક પણ છે. તેથી તે સંઘર્ષ અંગે તેઓ કેટલાયે આરબ નેતાઓના સંપર્કમાં પણ છે.
પ્રશ્ન સહજ રીતે ઉપસ્થિત થાય કે આથી ચીન અને પાકિસ્તાનની ઊંઘ શા માટે ઊડી રહી છે ? તો ઉત્તર છે કે પાકિસ્તાન મુસ્લીમ દેશ હોવા છતાં તેનો ગજ તે વિસ્તારમાં વાગતો નથી. બીજી તરફ ચીને હજી સુધીમાં મધ્યપૂર્વનાં રાજકારણમાં રસ લીધો જ ન હતો. બીજી તરફ ભારતે ઘણા સમયથી હમાસ-ઇઝરાયલ યુદ્ધ અંગે મધ્યપૂર્વના દેશો સાથે ઘનિષ્ઠ સંપર્કમાં છે. વળી ત્યાં એ અશાંતિ વધુ પ્રસરે તો તે દુનિયા માટે જોખમ રૂપ છે. તેથી ભારત હમાસ ઇઝરાયલ યુદ્ધમાં શાંતિ સ્થાપવામાં સઘન પ્રયાસો કરે છે. ત્યાં ભારતનું ઘણું માન છે. ને ચીન પાકિસ્તાન સહી શક્તું નથી.