હવે ઉર્જા માટે દિવસ કે સૂર્યોદયની રાહ નહીં જોવી પડે, રાત્રે પણ મળશે સૂર્યપ્રકાશ
સૂર્યનો પ્રકાશ સોલાર પેનલની મદદથી એકઠો કરવામાં આવશે.
આના માટે ૫૭ જેટલા નાના સેટેલાઇટ લોંચ કરવામાં આવશે.
ન્યૂયોર્ક,૨૮ ઑગસ્ટ,૨૦૨૪,બુધવાર
આમ તો સૂર્ય ઊગતો પણ નથી અને આથમતો પણ નથી. જે સૂર્યોદય અને સૂર્યાસ્તની પરિસ્થિતિ જોવા મળે છે તે પૃથ્વીના ગોળાર્ધના લીધે છે. પૃથ્વીની ગતિથી રાત અને દિવસ બદલાય છે. અંધકાર છવાય એટલે ઉર્જાનો વપરાશ વધી જાય છે. જો કે કેલિફોર્નિયાની એક સ્ટાર્ટઅપ કંપની અંતરિક્ષમાં સેટેલાઇટસની મદદથી સૂર્યની રોશનીને રાતના સમયે પૃથ્વી પર લાવવાની દિશામાં કામ કરી રહી છે. આનાથી એનર્જી પ્રોડકશન કોઈ પણ પ્રકારના અવરોધ વિના થશે.
આ અંગે કંપનીના સીઇઓએ લંડનમાં આયોજિત એનર્જી ફ્રોમ સ્પેસ પરની એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં આ યોજના રજૂ કરી હતી. આ યોજના અંર્તગત સૂર્યનો પ્રકાશ સોલાર પેનલની મદદથી એકઠો કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાને સનલાઇટ ઓન ડિમાંડ કહેવામાં આવે છે. આ અંર્તગત સૂર્યની ઉર્જા માટે દિવસની રાહ જોવી પડશે નહીં. આ ઉર્જાની અછત સાથે જોડાયેલી સમસ્યાના નિવારણનો એક રસપ્રદ ઉપાય છે.
સૂર્ય ઉર્જા અખૂટ છે જેનો ઉપયોગ કરવા માટે સેંકડો સોલાર પેનલ લગાવવામાં આવશે. માનવી સુધી ઉર્જા પહોંચાડવાનો આ એક સાવ જ અનોખો ઉપાય છે. સૂર્ય પ્રકાશ રાત્રે મળતો નથી પરંતુ જો આ મૂળભૂત બાબતનું જ સમાધાન શોધવામાં આવે તો ઉર્જાની સમસ્યાનો ટકાઉ ઉપાય મેળવી શકાશે. આ અંગેનો આઇડિયા કોન્ફરન્સમાં વીડિયો ફૂટેજ દ્વારા સમજાવવામાં આવ્યો હતો.
આના માટે ૫૭ જેટલા નાના સેટેલાઇટ લોંચ કરવામાં આવશે. જેમાં પ્રત્યેક સેટેલાઇટ ૩૩ ચોરસ ફૂટ અલ્ટ્રા રિફલેકટિવ માયલર મિરરથી સજજ હશે. આ મિરર પૃથ્વી પરના સૌર ફાર્મોને સૂર્ય પ્રકાશ રિફલેકટ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ સેટેલાઇટ પૃથ્વીની સપાટીથી ૩૭૦ માઇલની ઉંચાઈ પર પરિક્રમા કરશે.
જે ઉર્જાની પીક ડિમાંડના સમયે સોલર એનર્જી પ્લાન્ટસને વધારાની ૩૦ મિનિટની ઉર્જા પ્રદાન કરી શકશે. આ અંગે રિફલેટ ઓર્બિટલની મદદથી એક હોટ એર બલુનમાં માયલર મિરર જોડીને પરિક્ષણ પણ કરવામાં આવ્યું છે. માયલર મિરર કાચના ઉપયોગ વિના બનાવવામાં આવતા હોવાથી યુનિક છે. તેમાં એલ્યુમિનિયમ ફ્રેમ પર ફેલાયેલી પોલિએસ્ટર ફિલ્મનો ઉપયોગ કરવામાં આવે છે.