હવે રસ્તા પર ગાડીઓ નહી ખૂદ રસ્તો પણ દોડવા લાગશે, જાપાન બનાવશે અનોખો કાર્ગો રોડ
જાપાન રાજધાની ટોકયોથી ઓસાકા શહેરને જોડતો રસ્તો બનાવશે
આ ૩૧૦ કિમી લાંબી સડક એસ્કેલેટરની માફક જ તેજ ગતિથી દોડશે
ટોકયો, 29 જુન, 2024 ,શુક્રવાર
રસ્તાઓ પર ગાડીઓ દોડે છે પરંતુ રોડ દોડવા લાગે ખરો ? આમ તો આ કલ્પના લાગે છે પરંતુ ટેકનિક અને સંશોધનમાં હંમેશા આગળ રહેતા જાપાન ૩૧૦ કિમી લાંબી ચાલતી સડકો બનાવવા પ્રયાસ કરી રહયો છે. આ ચાલતો રસ્તો રાજધાની ટોકયોથી ઓસાકા શહેરને જોડશે. એક એસ્કેલેટરની માફક જ તેજ ગતિથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકાશે.આનો ઉપયોગ ઉત્પાદનોને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવા માટે કરવામાં આવશે.
જાપાનમાં યુવાઓ કરતા વૃધ્ધોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં તાલિમ પાંમેલા પ્રોફેશનલ વાહન ચાલકોનો અભાવ જોવા મળે છે. આથી માલવાહક ટ્રકો એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવામાં જે તકલીફનો સામનો કરવો પડે છે તેનું સમાધાન મળી રહેશે. ડીઝલ અને પેટ્રોલના વપરાશથી ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં વધારો થઇ રહયો છે તેનો પણ સ્વયં ચાલતા રસ્તાઓ દ્વારા ઘટાડો થઇ શકશે. ચાલતો રસ્તો એક પ્રકારનો કન્વેયર બેલ્ટ છે દિવસ રાત ૨૪ કલાક કામ કરતો રહેશે. સડક પર માલ ભરી દીધા પછી એની મેળે જ કન્ટેનર ચાલતા રહીને પોતાના નકકી કરેલા સ્થળે પહોંચી જશે.