બીજા વિશ્વયુદ્ધ બાદ વર્તમાન સમયમાં દુનિયાને સૌથી મોટો ખતરો, જાપાને 572 પેજનું શ્વેત પત્ર જાહેર કર્યું
ઉત્તર કોરિયાના મિસાઇલ કાર્યક્રમોએ પણ ચિંતા વધારી છે
આંતરરાષ્ટ્રીય સમુદાય સંકટના આ નવા યુગમાં પ્રવેશ કરી ચુકયો છે
Japan White Paper news | બીજા વિશ્વયુધ્ધમાં અણુબોમ્બનો ભોગ બનેલું જાપાન હંમેશા વિશ્વશાંતિનું હિમાયતી રહયું છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વધતા જતા ખતરાના પગલે સુરક્ષા માટે ચિંતિત બન્યું છે. જાપાને ગત વર્ષ 59 બિલિયન ડોલરના રેકોર્ડતોડ સંરક્ષણ બજેટનું એલાન કર્યુ હતું. પોતાની સુરક્ષા અંગેના આકલન પર એક વાર્ષિક શ્વેતપત્ર બહાર પાડયું છે જેમાં રક્ષા મંત્રાલયનું કહેવું હતું કે ઇન્ડો પ્રશાંત ક્ષેત્ર દ્વિતીય વિશ્વયુધ્ધના અંત પછી સૌથી ગંભીર અને જટિલ પ્રકારના સંકટનો સામનો કરી રહયું છે.
આ શ્વેતપત્રમાં ચીન સાથે જોડાયેલા ક્ષેત્રીય તણાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને દક્ષિણ ચીન સાગરની આસપાસના મોટા ભાગના વિસ્તારો પર ચીન પોતાનો દાવો રજૂ કરે છે. આ મુદ્વે ચીન સાથે જાપાનના સંબંધો ખૂબજ તંગ રહે છે. 572 પાનાના શ્વેતપત્રમાં સંરક્ષણમંત્રી મિનોરુ કિહારાએ ટોકયોના રક્ષા આયોજનોને ચેતવણીની સૂરમાં પ્રસ્તુત કર્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય સંકટના આ નવા યુગમાં પ્રવેશ કરી ચુકયું છે અને બીજા વિશ્વયુધ્ધ પછી સૌથી મોટી કસોટીનો સામનો કરી રહયું છે.
કિહારાએ પૂર્વી ચીન સાગર,દક્ષિણ ચીન સાગર અને બાકીના પ્રશાંત ક્ષેત્રમાં ચીનની સૈન્ય હિલચાલ અને ગતિવિધીઓને સૌથી મોટો પડકાર ગણાવ્યો હતો. શ્વેતપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે દ્વિતિય વિશ્વયુધ્ધના અંત પછી અત્યાર સુધીના સૌથી મોટા પરીક્ષણનો સામનો કરી રહયો છે. જાપાન ખુદ ગંભીર અને જટિલ પ્રકારના સુરક્ષા વાતાવરણનો અનુભવ કરી રહયું છે. ચીન જ નહી ઉત્તર કોરિયાના મિસાઇલ ટેસ્ટ અને મિસાઇલ કાર્યક્રમોએ પણ ચિંતા વધારી છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન બેલેસ્ટિક મિસાઇલોના ટેસ્ટિંગ કરે છે જેમાંની કેટલીક જાપાનના જળક્ષેત્રમાં પડે છે.
જાપાનમાં ઉત્તર કોરિયાના મિસાઇલ પરિક્ષણાને પ્રત્યેક્ષ ખતરા તરીકે જોવામાં આવે છે.ચીન અને ઉત્તર કોરિયા ઉપરાંત જાપાન દૂર સૂદૂર રશિયાની તીવ્ર સૈન્ય હિલચાલ પર નજર રાખી રહયું છે. રશિયા અને ચીનની વધતી જતી મૈત્રીથી પણ જાપાન સચેત બની ગયું છે. જાપાનનું શ્વેતપત્ર રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે થયેલી સંરક્ષણ સમજૂતી પછી આવ્યું છે. આ સમજૂતી પર ગત જૂન મહિનામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્યોંગયાંગ યાત્રા દરમિયાન હસ્તાક્ષર થયા હતા.