અમેરિકામાં હવે પાલતુ પોપટ વીડિયો કોલ કરી મિત્ર પોપટ સાથે વાત કરે છે
- પક્ષી મિત્રો સાથે વાતચીત કરીને ખુશખુશાલ રહેવા માંડયા
- એકલતાને કારણે પક્ષી વધુ બીમાર પડતા હોવાના રિપોર્ટ બાદ 18 પોપટ પર 1,000 કલાકનો અખતરો કરાયો
ન્યુયોર્ક : અમેરિકામાં પાળતું પોપટ રાખનારા લોકો માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રયોગમાં સામેલ પોપટને મિત્ર પોપટ સાથે વીડિયો કોલ પર વાતચીત કરવાનું શીખવાડવામાં આવ્યું હતું. હવે આ ટ્રેનિંગ લીધેલા પોપટ ટચ સ્ક્રીનવાળા ટેબલેટ પરથી પોતાના મિત્ર પોપટને વીડિયો કોલ કરે છે. પ્રાથમિક તારણ મુજબ, તેઓ ખુશખુશાલ રહેવા મંાડયા છે.
અમેરિકામાં પ્રયોગરૂપે ટ્રેન કરવામાં આવેલા પોપટ ઘણા કિલોમીટર દૂર રહેલા તેમના મિત્રો સાથે વીડિયો કોલિંગના માધ્યમથી સંપર્કમાં રહે છે. જ્યારે, પણ તેમને પોતાના મિત્ર સાથે વાતચીત કરવાનું મન થાય છે, ત્યારે તેઓ તેમની પાસે રાખવામાં આવેલી ઘંટડી વગાડવા માંડે છે. જેથી તેમના માલિક તેમના મિત્ર પોપટને કોલ લગાડી આપે.
એક રિપોર્ટ મુજબ, ઘરમાં એકલતાને કારણે પાળતું પોપટ વધુ બીમાર પડતા હતાં. આ વીડિયો કોલિંગ પ્રયોગ એકલતા અનુભવતા પોપટ માટે વરદાનરૂપ સાબિત થયો છે. આ વીડિયો કોલિંગ પ્રયોગમાં સામેલ પોપટ મિત્રો સાથે વાતચીત, સજવામાં અને ગીતો ગાવામાં સમય પસારકરી રહ્યાં છે. એક જાણીતી યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા આ પ્રયોગની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રયોગમાં માલિક ફકત ટેબલેટ ઓપન કરીને આપે છે. જ્યારે, પોપટ સ્ક્રીન પર રહેલા અનેક પોપટના ફોટામાંથી એકને ચાંચ મારીને પસંદ કરીને વીડિયો કોલ કરે છે. આ પ્રયોગ ૧,૦૦૦ કલાક સુધી કરવામાં આવ્યો હતો. જેમાં, ૧૮ પોપટે ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, જંગલમાં સમુહમાં રહેતા પક્ષીઓ શહેરોના ઘરોમાં એકલતા અનુભવે છે.